મહાપાલિકાએ જાહેરાત વગર બે વોર્ડમાં ઝીંક્યો પાણીકાપ !
બજરંગવાડી ઝોનમાં પાણી વિતરણ ન થતાં ગૃહિણીઓમાં દેકારો: અનેકના દિવસ બગડ્યા
દિવાળી હોવાથી લોકો પોતાના ઘર-ઓફિસ-બંગલા-કારખાનાની સફાઈ કરવાનું ક્યારેય ચૂકતાં જ નથી ત્યારે આ વર્ષે પણ સફાઈકાર્ય કરવામાં આવ્યું હતું. સફાઈ કાર્યમાં સૌથી વધુ જરૂરિયાત પાણીની રહેતી હોય છે પરંતુ બે વોર્ડમાં મહાપાલિકાએ જાહેરાત વગર જ પાણીકાપ ઝીંકી દેતાં લોકોમાં દેકારો બોલી જવા પામ્યો હોવાનો આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી દ્વારા કરવામાં આવ્યો હતો.
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું કે શહેરના વોર્ડ નં.૨ અને ૩ના બજરંગવાડી ઝોનના અનેક વિસ્તારોમાં અચાનક પાણી ન મળતાં લોકો પાણી વગર હેરાન થયા હતા. ચૂંટરી સમયે શહરીજનોને રોજ ૩૦ મિનિટ પાણી આપવાની વાતો કરનારા શાસકો ૨૦ મિનિટ પાણી આપવામાં પણ નિષ્ફળ નિવડ્યા છે. નર્મદાનું પાણી ન મળવાને પગલે કોઈ પણ ઝોનમાં પાણીનું લેવલ યોગ્ય ન થતાં છાશવારે તે ઝોનમાં પાણી અચાનક બંધ કરી દેવામાં આવે છે.
નર્મદાનું પાણી ટેક્નીકલી ફોલ્ટ, વીજફોલ્ટ, ટાંકા રિપેરિંગ, જૂની પાઈપલાઈન બદલી નવી પાઈપલાઈન નાખવા સહિતના બ્હાના કાઢીને પાણીકાપ લાદવામાં આવે છે. નર્મદાના નામે રાજકીય રોટલા શેકનારા શાસકોએ અગાઉ જણાવ્યું હતું કે નર્મદાનું પાણી પૂરતું નહીં આવે તો એક્સપ્રેસ ફિડર લાઈન દ્વારા જે ઝોનમાં નર્મદાના પાણીની ઘટ રહેશે તે ઝોનમાં ન્યારી અથવા આજીમાંથી પાણી પૂરું પાડવામાં આવશે પરંતુ આ બધું પોકળ દાવા સમાન સાબિત થયું છે.
