ભંગારમાં ખજાનો !! દિવાળીએ રાજકોટમાં 15 કરોડનું ટર્નઓવર : 800 થી 1000 વેપારીઓને દિવાળી અને વેકેશનમાં ચાંદી-ચાંદી
મમ્મી હવે આ બોક્સ રાખવું છે કે જવા દવ…? પપ્પા આ જૂની છત્રી રાખવાની છે? દિવાળીનો તહેવાર આવતા જ શહેરના તમામ વિસ્તારોમાં સવાર પડતાની સાથે જ દેવો ચોપડા પસ્તીનો… પ્લાસ્ટિક, લોખંડનો ભંગાર તેવી બુમ સંભળાય છે અને ભંગારની રેંકડી લઈને ફેરિયાઓની એન્ટ્રી થતા જ તમામ ઘરમાં ચોપડા, પસ્તી, જૂનો સમાન તેમજ નકામી વસ્તુઓ ભંગારવાળાને આપી દેવા માટે લોકો અધીરા બનતા હોય છે. ભંગારના ધંધાર્થીઓ માટે પણ દિવાળીનો તહેવાર ખાસ ખજાનાથી કમ નથી. એકલા રાજકોટ શહેર અને આજુબાજુના ઔદ્યોગિક વિસ્તારમાં દિવાળીએ અંદાજે રૂપિયા ૧૫ કરોડનું ભંગારનું ટર્નઓવર થાય છે.
દેશમાં અલંગ શિપબ્રેકીંગ યાર્ડ જુના ભંગારના વ્યવસાયનું સૌથી મોટું ઉદાહરણ છે અહીં દેશવિદેશમાંથી સમુદ્રી જહાજો ભાંગવાનું કામ થાય છે અને વર્ષે દહાડે અહીં કરોડો રૂપિયાનો ભંગારનો જ બિઝનેશ થાય છે. ખાસ કરીને રાજકોટ સહિત રાજ્યમાં દિવાળી અને ઉનાળુ વેકેશન દરમિયાન ભંગારના ધંધાર્થીઓની સીઝન હોય છે. ઉનાળુ વેકેશનમાં બાળકોનું ભણતર પૂરું થતા જ પાઠય પુસ્તકો અને ચોપડાનો મોટા પ્રમાણમાં નિકાલ થતો હોય કાગળ અને પસ્તીનો ભંગારનો ધંધો કરતા લોકો માટે તેજી આવે છે.
જયારે દિવાળીના તહેવારોમાં તમામ ઘરોમાં સાફસફાઈ રંગરોગાન થતા હોય જૂનો સમાન કાઢવાની પ્રથા રહેલી હોય દિવાળીના તહેવારમાં ચોપડા, પસ્તી, પ્લાસ્ટિક અને લોખંડ તેમજ પતરાનો ભંગાર મોટા પ્રમાણમાં નીકળતો હોવાથી રાજકોટ શહેર જિલ્લામાં ભંગારના ધંધાર્થીઓ અંદાજે ૧૫ કરોડથી વધુનું ટર્નઓવર કરતા હોવાનું ભંગારના ધંધા સાથે સંકળાયેલ લોકો જણાવી રહ્યા છે.
રાજકોટ શહેર, શાપર વેરાવળ અને મેટોડા જીઆઈડીસી મળી રાજકોટમાં અંદાજે ૮૦૦થી ૯૦૦ જેટલા નાના મોટા ધંધાર્થીઓ ભંગારના આ વ્યવસાય સાથે જોડાયેલ છે, જો કે, વર્ષે કરોડોનું ટર્નઓવર હોવા છતાં પણ ભંગારના ધંધાર્થીઓનું કોઈ સંગઠન નથી. ભંગારના ૮૦૦થી ૯૦૦ પૈકી ૨૫થી ૩૦ જેટલા મોટા વેપારીઓ છે જે તમામ નાના ધંધાર્થીઓ પાસેથી ભંગારની ખરીદી કરી મોટા ખરીદદારો સુધી ભંગારની સપ્લાય કરે છે એ ઉપરાંત રાજકોટ શહેરમાં ભંગારના ધંધા થકી રોજી મેળવતા લોકોની સંખ્યા હજારોમાં હોવાનું સ્ક્રેપના ધંધાર્થીઓ જણાવી રહ્યા છે.
પ્લાસ્ટિક જૂનાગઢ, કાગળ મોરબી અને લોખંડ પહોંચે છે કચ્છ
રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં પથરાયેલ સ્ક્રેપ બિઝનેશમાં ત્રણ પ્રકારના મુખ્ય ભંગાર માટે ખરીદ કેન્દ્રો પણ ત્રણ જ છે. સ્ક્રેપ બિઝનેશ સાથે સંકળાયેલ લોકોના જણાવ્યા મુજબ કાગળ અને પસ્તીનો મોટાભાગનો ભંગાર મોરબી જાય છે, મોરબીમાં પેપરમિલો મોટાપાયે આવેલ હોય તમામ પસ્તી પૂંઠા ત્યાં હજમ થઇ જાય છે. એ જ રીતે પ્લાસ્ટિકનો મોટાભાગનો ભંગાર જૂનાગઢ અને લોખંડ તેમજ પતરાનો ભંગાર મુખ્યત્વે કચ્છમાં જાય છે કારણ કે કચ્છમાં મોટા પ્રમાણમાં રોલીંગ મિલો આવેલ હોય લોખંડનો ભંગાર ત્યાં જાય છે.
જૂના તેલના ડબ્બાનો જબરો વેપાર
રાજકોટ અને મોરબી શહેર જુના તેલના ડબ્બાનું હબ ગણવામાં આવે છે રાજકોટના ડબ્બાના ધંધાર્થીઓ સૌરાષ્ટ્રભરમાંથી જુના ડબ્બાની ખરીદી કરી રાજકોટમાં તેમજ મોરબીમાં વોશિગ પ્લાન્ટમાં ડબ્બાનું રીપેરીંગ કરી બાદમાં તેલ મિલોને સપ્લાય કરે છે, તમારા, મારા ઘેરથી ૧૫થી ૨૦ રૂપિયામાં ભંગારમાં જતો તેલનો ડબ્બો નવા રૂપ ધારણ કરતા ૪૫થી ૫૫ રૂપિયા સુધી વેચાઈ છે.
જીએસટીની હેરાનગતિ
મોટાભાગે સ્ક્રેપના ધંધો રોકડામાં જ થતો હોવાની સાથે બિલિગ પણ થતું ન હોવાથી ભંગારના નાના ધંધાર્થીઓને જીએસટીની ખુબ જ હેરાનગતિ હોવાનું તેઓ જણાવી રહ્યા છે અને એટલા માટે જ સ્ક્રેપના કોઈપણ ધંધાર્થીઓ પોતાના ધંધાનું ટર્નઓવર કે કોઈપણ બાબતે જાણકારી આપવા માટે પોતાનું નામ કે ઓળખ આપવાનો પણ ઇન્કાર કરી રહ્યા છે.