રાજકોટના અમરગઢ, મોટામવા અને પરા પીપળીયાની જમીન મામલે તપાસ
જમીન કૌભાંડ મામલે મુખ્યમંત્રી કાર્યલયેથી ફરિયાદ
આરાધના સોસાયટી તેમજ અન્ય એક શરતભંગ મામલે પણ મહેસુલ તપાસણી કમિશનર દ્વારા તપાસ
રાજકોટ : રાજકોટ જિલ્લામાં અવાર-નવાર જમીન કૌભાંડો આચરવામાં આવી રહ્યા છે ત્યારે વર્ષ 2028માં રાજકોટના અમરગઢ, મોટામવા અને પરા પીપળીયાની કિંમતી જમીન મામલે પાડવામાં આવેલી નોંધ મામલે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તપાસના આદેશ કરવામાં આવતા મહેસુલ તપાસણી કમિશનર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને સમગ્ર મામલે સંબંધિત વિભાગો પાસેથી પૂર્તતા માંગવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના મોટામવા, રાજકોટ તાલુકાના અમરગઢ તેમજ પરા પીપળીયા ગામ દફ્તરે વર્ષ 2028માં હક્કપત્રકે પાડવામાં આવેલ નોંધ મામલે મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચેલી ફરિયાદ બાદ ગાંધીનગરથી તપાસના આદેશ છુટતા હાલમાં સમગ્ર મામલે મહેસુલ તપાસણી કમિશનર કચેરી ગાંધીનગર મારફતે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે જેમાં કેટલાક પ્રકરણમાં રાજકોટ વડી કચેરી પાસેથી પૂર્તતા માંગવામાં આવી હોવાનું જાણવા મળે છે.
વધુમાં મહેસુલ તપાસણી કમિશનર દ્વારા રાજકોટની આરાધના સોસાયટી તેમજ અન્ય એક અરજદાર દ્વારા શરતભંગ અમમળે થયેલ ફરિયાદમાં પણ આરઆઈસી એટલે કે, મહેસુલ તપાસણી કમિશનર દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ઉપરાંત અન્ય બે પ્રકરણ સહીત કુલ પાંચ કિસ્સામાં મહેસુલ તપાસણી કમિશનર કચેરી દ્વારા રાજકોટ કલેકટર તંત્રને દોડતું કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
