શુભ દિવાળી: રાજકોટની બજારોમાં દિવાળીની રોનક
રવિવારથી ધર્મેન્દ્ર રોડ,સાંગણવા ચોક,દીવાનપરા, લાખાજીરાજ રોડ,સોનીબજાર,પેલેસરોડ થી લઇ ગુંદાવાડી સુધીની તમામ બજારમાં ઉત્સવ માટે આવકારવાનો ભારે ઉત્સાહ:તેજીનો ચમકારાથી વેપારીઓના ચહેરા પર ચમક
રવિવારની રંગત સાથે દિવાળીની રોનક રાજકોટની માર્કેટમાં શરૂ થઈ ગઈ છે. લાંબા સમય પછી લોકલ ફોર વોકલને વેગ મળ્યો હોય તેમ પ્રથમ રવિવારથી ધર્મેન્દ્ર રોડ થી લઇ ગુંદાવાડી સુધીની તમામ બજારમાં રંગીલા રાજકોટવાસીઓની ભીડ જોવા મળી રહી છે.
દિવાળીના પર્વને આજે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે આ રવિવારથી લઈ આગામી રવિવાર સુધી તમામ બજારો સવારે 9:00 થી રાત્રે 12:00 વાગ્યા સુધી સતત ધમધમશે. વરસના સર્વશ્રેષ્ઠ અને મોટા તહેવાર દિવાળીમાં રંગોળીના રંગોથી લઈને રોશની થી ઝળહળિત કરતી લાઇટિંગ અને નવા કપડાઓની ખરીદીથી માંડી ફટાકડા સુધીની ખરીદી રવિવારની રજાથી લોકોએ શરૂ કરી દીધી છે.
પ્રથમ રવિવારથી જ માર્કેટમાં સારી એવી ઘરાકી નીકળતા વેપારીઓના ચહેરાની ચમક પણ નીખરી છે. લોકડાઉન અને ત્યારબાદ ઓનલાઇન માર્કેટની બોલબાલા સામે સ્થાનિક બજારો લાંબા સમયથી ટક્કર આપી રહી હતી. છેલ્લા બે વર્ષથી વેપાર ઉદ્યોગના તમામ ક્ષેત્રમાં દિવાળી પર્વે એ નવો નિખાર આપ્યો છે.
રવિવારે ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ગુંદાવાડી, સાંગણવા ચોક ,ઘીકાંટા રોડ, સોની બજાર, દિવાનપરા, પેલેસ રોડ, રૈયા નાકા ટાવર, યાજ્ઞિક રોડ, અમીન માર્ગ, પંચાયત ચોક, મવડી સહિતની તમામ બજારોમાં રવિવારએ ભરચકક ગિરદી જોવા મળી હતી.
વર્ષો જૂની માર્કેટ પણ હવે બદલાતા સમય સાથે અપડેટ થઈ હોવાથી લોકોની ખરીદી નો ટેસ્ટ પણ બજારો તરફ વળી રહ્યો છે નવરાત્રી, દશેરામાં પણ વેપારીઓને સારો વેપાર થયો હતો. હવે દિવાળીના પર્વ ઉપરાંત લગ્નની મોસમ પણ શરૂ થતી હોવાથી બજારમાં તેજીનો કરંટ જોવા મળ્યો છે અને આવી જ ધરાકી દિવાળી સુધી જળવાઈ રહેશે તેવી આશા વેપારીઓને છે.
ધર્મેન્દ્ર રોડ,લાખાજીરાજ રોડને ફેરિયામુક્ત કરતી મહાપાલિકા
આ વર્ષે દિવાળી પર બજારોને તંત્ર દ્વારા પાથરણા મુક્ત કરવામાં આવતા વેપારીઓએ હાશકારો અનુભવ્યો છે. વેપારીઓએ જણાવ્યું હતું કે, દરેક તહેવાર વખતે ફૂટપાથ પર વેપાર કરતા પાથરણા અને ફેરિયાઓના લીધે ગ્રાહકો માર્કેટ સુધી આવતા અચકાતા હતા. આ વખતે તમામ વેપારી પ્રતિનિધિ મંડળો દ્વારા કોર્પોરેશનમાં પ્રબળ રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈએ અસરકારક કામગીરી કરી છે. દબાણ હટાવ શાખાની ટીમના સતત ચેકિંગના લીધે ફેરિયાવાળાથી અમને મુક્તિ મળી છે તેમ વેપારીઓએ જણાવ્યું હતું.
રંગોળીના રંગોથી લઈ સોનાના દાગીના બધું જ એક જ બજારમાંથી મળી રહે છે
રાજકોટની લાખાજીરોડ માર્કેટથી લઈ વિવિધ બજાર ત્રણથી નહિ પાંચ કિલોમીટર સુધીના વિસ્તારમાં જ આવેલી છે જેમ કે લાખાજીરાજ રોડ થી શરૂઆત કરી સાંગણવા ચોક, ઘી કાંટા રોડ, દિવાનપરા, બંગડી બજાર, રૈયાનાકા ટાવર, સોની બજાર પેલેસ રોડ અને ત્યાંથી શરૂઆત કરી ગુંદાવાડી સહિત તમામ બજાર નજીકમાં જ આવેલી હોવાથી લોકોને પણ રંગોળીના રંગો થી માંડીને સોના ચાંદીના આભૂષણો બધું જ એક જ માર્કેટમાં મળી જાય છે. ઓનલાઇન ના ટ્રેન્ડ વચ્ચે હવે વેપારીઓ પણ અપડેટ થયા છે અને અત્યારના લોકોને શું પસંદ પડે છે કયો ટ્રેન્ડ છે તે બધો જ સર્વે કરીને તહેવારોને અનુરૂપ અને લોકોના ટેસ્ટ અનુરૂપ વસ્તુઓ વ્યાજબી ભાવે મળી રહે છે.