કોલકત્તા મહિલા તબીબ દુષ્કર્મ હત્યા કેસમાં સીબીઆઈએ કેટલા પુરાવા એકત્ર કર્યા ? જુઓ
કોલકત્તાની આરજી કર હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં મુખ્ય આરોપી સંજય રૉય સામે ગાળિયો બરાબર કસાઈ ગયો છે અને સીબીઆઈએ એમ કહ્યું છે કે મહિલા તબીબના શરીર પર આરોપીના ડીએનએ મળ્યા છે. આરોપીની જીન્સ પેન્ટ અને બૂટ પર મહિલા તબીબના રક્તના ડાઘ મળ્યા છે.
આ ઉપરાંત લોહીના ડાઘ પણ મળ્યા છે. સીબીઆઈએ આ રીતે 11 જેટલા પુરાવા પણ સૂચિબધ્ધ કર્યા છે. આરોપી સામે મજબૂત પુરાવા તરીકે સીબીઆઈએ નાના વાળ, સંજયના શરીર પર ઇજા, સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ મુજબ તેના મોબાઈલ ફોનના લોકેશનનો ઉલ્લેખ પણ ચાર્જશીટમાં કર્યો છે.
સીબીઆઇના અહેવાલમાં એવો પણ ઉલ્લેખ છે કે આરોપીની બનાવની રાત્રે હાજરી પણ સીસીટીવી મુજબ દેખાઈ રહી છે. ત્રીજા માળે જ્યાં અપરાધ થયો હતો ત્યાં તે દેખાય છે. સૌથી મહત્વની વાત એ છે કે મહિલા તબીબના શરીર પર આરોપીના ડીએનએ પણ મળ્યા છે.
આરોપ પત્રમાં જો કે સીબીઆઈએ સાફ શબ્દોમાં એમ કહ્યું છે કે મહિલા તબીબ સાથે સામૂહિક દુષ્કર્મ થયું જ નથી અને એકલા સંજય રોયે જ અપરાધ આચર્યો છે અને દુષ્કર્મ બાદ હત્યા કરી છે.
