સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બનશે
ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે : ટૂંક સમયમાં સરકાર પરિપત્ર બહાર પાડશે
હેલ્મેટ ન પહેરે તેવા કર્મચારીઓને રોકી રાખો જેથી તેમને સમય અને કાયદાનું ભાન થાય.
હેલ્મેટ અંગેના કાયદાને લઈને ગુજરાત હાઇકોર્ટ આકરા પાણીએ છે. રાજ્યમાં ટુ-વ્હીલર ચાલકો માટે ફરજિયાત હેલમેટ પહેરવાનો કાયદો છે, પરંતુ લોકો ઘણીવાર હેલમેટ પહેર્યા વિના રસ્તાઓ પર ટુ-વ્હીલર ચલાવતા જોવા મળે છે અને જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ પાલન ન કરવા બદલ ફટકારવામાં આવે છે ત્યારે લોકો પાસે ઘણા બહાના પણ હાજર હોય છે. ચીફ જસ્ટિસે ટકોર કરતા કહ્યું કે, “લોકોને સમય અને કાયદા બંનેની ભાન કરાવવાની જરૂર છે.” તેમણે ઉમેર્યું કે હેલ્મેટ અંગેના કાયદાનું ઉલ્લંઘન કરનારા રાજ્ય સરકારના કર્મચારીઓને પોલીસે રોકી રાખવા જોઈએ જેથી તેમને સમયનું પણ ભાન થશે.
ફરજીયાત હેલ્મેટનો નિર્ણય માત્ર સરકારી કર્મચારીઓ પૂરતો સીમિત નથી. ગુજરાત હાઈકોર્ટમાં કામ કરતા કર્મચારીઓ માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવા અંગે સર્ક્યૂલર બહાર પાડવાની વિચારણા ચાલી રહી છે.આ પગલાંથી રાજ્યમાં ટ્રાફિક નિયમોનું પાલન વધશે અને રોડ સુરક્ષામાં સુધારો થશે તેવી અપેક્ષા છે.
નોંધનીય છે કે એક મહિના પહેલા ગુજરાત હાઈકોર્ટે સત્તાવાળાઓને અમદાવાદ શહેરમાં દ્વિચક્રી વાહન ચાલકો અને સવારો માટે હેલ્મેટ ફરજિયાત બનાવવાના તેના આદેશનો 15 દિવસની અંદર અમલ કરવા આદેશ આપ્યો હતો.
ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેન્ચે પણ અવલોકન કર્યું હતું કે શહેરમાં રોડ ટ્રાફિક એ એક મુદ્દો છે જેની કાળજી લેવાની જરૂર છે. અને તેના સંચાલન માટે સર્વગ્રાહી અભિગમની જરૂર છે. કોર્ટે નાગરિક સત્તાવાળાઓને રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ કરતા લોકોને રોકવા માટે પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.
કોર્ટે અધિકારીઓને સર્વેક્ષણ દ્વારા આવા સ્થળોની ઓળખ કર્યા પછી “અકસ્માત” અને “ઉચ્ચ અકસ્માત” વિસ્તારોમાં બોર્ડ લગાવવા જણાવ્યું હતું.
હાઈકોર્ટે કહ્યું, “ટુ-વ્હીલર અને સવારો દ્વારા હેલ્મેટ પહેરવાની આ ફરજિયાત શરતને લાગુ કરવા માટે અમે તમને 15 દિવસનો સમય આપી રહ્યા છીએ.” અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ફ્લાયઓવરના બાંધકામ અંગેની જાહેર હિતની અરજી (PIL)ની સુનાવણી દરમિયાન ડિવિઝન બેન્ચે આ નિર્દેશ જારી કર્યો હતો. જેમાં અરજદારે જણાવ્યું હતું કે આનાથી ટ્રાફિક જામ અને અકસ્માતની શક્યતાઓ વધશે અને આ વિસ્તારમાં ગ્રીન કવર પણ ઘટશે.