પ્રેમ લગ્ન બાદ જીવન બગડી જતાં પરિણીતાએ સ્યુસાઇડ નોટ લખી કર્યો આપઘાતનો પ્રયાસ
પરિવારને મદદરૂપ ન થઈ શકતા 24 વર્ષીય યુવતીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું : થોરાળા અને યુનિવર્સિટી રોડ પરનો બનાવ
રાજકોટમાં ગઇકાલે આપઘાત અને અપઘાતના પ્રયાસના બનાવો સામે આવ્યા હતા.જેમાં યુનિવર્સિટી રોડ પર પેરામાઉન્ટ સોસાયટીમાં રહેતી માંગરોળ પંથકની 24 વર્ષીય યુવતીએ સ્યુસાઇડ નોટ લખી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.જ્યારે બીજા બનાવમાં થોરાળામાં રહેતી પરિણીતાએ પ્રેમ લગ્ન કર્યા બાદ પોતાનું જીવન બરબાદ થઈ ગયું છે.તેવી સ્યુસાઇડ નોટ લખી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
પ્રથમ બનાવની વિગત મુજબ આકાશવાણી ચોક પાવર હાઉસની બાજુમાં પેરામાઉન્ટ સોસાયટી શેરી નં.4 માં રૂમ ભાડે રાખી રહેતી જીગ્નેશા લક્ષ્મણભાઈ કાથડ (ઉ.વ.24) એ ગઈ રાતે પોતાના રૂમમાં પંખાના હુકમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રાજકોટમાં જ રહેતી તેમની મિત્રએ ફોન કરતાં તેણીએ ફોન ન ઉપાડતાં મિત્રએ મકાન માલિકને ફોન કરી તપાસ કરવાનું કહેતાં મકાન માલિકે રૂમ ખોલી જોતાં યુવતી લટકતી હાલતમાં મળી આવી હતી. આ મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, મૃતક યુવતી મૂળ માંગરોળ પંથકની વતની અને તે અઢી વર્ષથી રાજકોટમાં રહેતી અને અહીં તે બે માસ પહેલાં જ રહેવા આવી ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. સ્યુસાઇડ નોટમાં લાયું હતું કે,હું મારા પરિવારને મદદરૂપ થઇ ન શકતા અને મને ઓવર થિન્કિંગમાં રહેતાં પગલું ભરૂ છુ તેમ જણાવ્યું હતું.
બીજા બનાવમાં થોરાળા વણકર વાસમાં રહેતી 23 વર્ષિય પરિણિતાએ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તાકિદે તેણીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં સારવાર હેઠળ છે. આપઘાતનો પ્રયાસ કરતાં પહેલાં તેણીએ બે પાનાંની સુસાઈડ નોટ લખી હતી. જેમાં જણાવ્યુ હતું કે, ‘મમ્મી પપ્પા સોરી મારી બોવ મોટી ભૂલ થઈ ગઈ છે. મને તમે સાચવી પણ તમારા કરતાં વધારે મે કિશન પર વિશ્વાસ કર્યો અને તેને જ મારી જિંદગી બગાડી નાંખી. મારાથી હવે નથી જીવાતું, હું નથી જીવી શકતી, મારે હવે જીવવું જ નથી’.તેમ લખી આ પગલું ભર્યું હતું.