નાના મવા પાસે BRTS બસ ઠોકરે રાહદારી મહિલાનું મોત
મહિલા BRTSની ગ્રીલમાંથી નીકળી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતી બસે ટક્કર મારી : તપાસ બાદ`
રાજકોટમાં લોકોની સુવિધામાં વધારો કરતી સિટી અને બીઆરટીએસ અકસ્માતને લઈને સતત વિવાદમાં આવતી રહે છે. ત્યારે રાજકોટમાં બીઆરટીએસ બસે વધુ એક અકસ્માત સર્જ્યો હતો. નાના મવા ચોક પાસે બીઆરટીએસ બસના ચાલકે રોડ ક્રોસ કરતી રાહદારી મહિલાને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.અકસ્માત પગલે લોકોના ટોળા એકઠા થયા હતા.108 અને પોલીસને જાણ કરતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને મહિલાના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો.જ્યારે આ મામલે માલવિયા પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કર્યા બાદ ગુનો નોંધવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ 150 ફૂટ રિંગ રોડ પર ખોડિયાર નગરમાં રહેતા અને પારકા ઘરના કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા સોનલબેન ઘુઘાભાઈ પરસાણીયા નામના 35 વર્ષીય મહિલા ગઈકાલ સાંજના સમયે નાના મવા ચોક નજીક બીઆરટીએસ બસના રુટ પર લગાડવામાં આવેલી ગ્રીલ નીચેથી પસાર થઈ રોડ ક્રોસ કરી રહ્યા હતા.ત્યારે પુરપાટ ઝડપે દોડી આવતા બીઆરટીએસ બસના ચાલકે સોનલબેનને ઠોકરે ચડાવ્યા હતા.અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જ્યારે અકસ્માત થયા બાદ પણ બીઆરટીએસ બસના ચાલકે બસને રોકી ન હતી.અને તે નાશી ગયો હતો.
ઘટનાની જાણ કોઈ સ્થાનિક વ્યક્તિ દ્વારા 108 અને પોલીસ કંટ્રોલમાં કરવામાં આવતા માલવિયા પોલીસના હેડ કોન્સટેબલ સોનાબેન મોલીયા અને 108નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.અને મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.જ્યારે પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે,મૃતક મહિલા સોનલબેનના પતિ રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે.અને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.જ્યારે તેઓ નાના મવા પાસેની સોસાયટીમાં પારકા ઘરના કામ કરતાં હતા.હાલ ઘટના મામલે વધુ તપાસ કર્યા બાદ પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવવાની છે.ઉલ્લેખનીય છે કે,આ અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.