દેશમાં મંકીપોકસનો કેટલામો કેસ મળ્યો ? કેવા છે લક્ષણ ? જુઓ
વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંકીપૉક્સના જે વેરિયન્ટને ઈમરજન્સી જાહેર કર્યો હતો, તે વેરિયન્ટનો ભારતમાં પ્રથમ કેસ નોંધાયો છે. ગત સપ્તાહે કેરળના મલપ્પુરમ આવેલ વ્યક્તિને મંકીપૉક્સ વાયરસની અસર હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. સોમવારે ત્રીજો કેસ દેશમાં બહાર આવ્યો હતો.
વાયરસ પીડિત 38 વર્ષનો યુવક યુએઈથી ભારત આવ્યો હતો. આ દરમિયાન તેનામાં મંકીપૉક્સના લક્ષણો હોવાની સંભાવના દેખાતા તેને આઈસોલેટ કરવામાં આવ્યો હતો, જોકે હવે તે પોઝિટિવ હોવાની પુષ્ટી થઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, વ્યક્તિમાં MPox ક્લેડ-1 વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે. ભારતમાં આ પ્રકારનો આ પહેલો કેસ છે. હૂએ આ ક્લેડને વર્લ્ડ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વ્યક્તિ એક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ છે. તેને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે.
આ મામલો સામે આવ્યા બાદ સંબંધીત તંત્ર દ્વારા પ્રોટોકોલ મુજબ કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. વ્યક્તિના સોર્સની ઓળખ કરવા તેમજ દેશમાં વાયરસના પ્રભાવનું આકલન કરવા માટે દર્દીની કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરવામાં આવી રહી છે. ભારત મંકીપોક્સ વાયરસ સામે લડવા સમગ્ર રીતે તૈયાર છે અને કોઇ પણ સંભવિત જોખમને રોકવા અને ઓછો કરવા પૂરતા પ્રયાસ કરાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે આ અંગે તમામ રાજ્યોને પણ આવશ્યક ગાઇડલાઇન્સ જાહેર કરી એલર્ટ રહેવા જણાવ્યું છે.