સર્વે પૂર્ણ : રાજકોટ જિલ્લામાં 90 હજાર એકર જમીનમાં પાક ધોવાયો
ભારે વરસાદને પગલે 506 ગામના ખેડૂતોનો ખરીફ પાક નાશ પામ્યો
રાજકોટ : રાજકોટ શહેર અને જિલ્લામાં જન્માષ્ટમીના તહેવાર સમયે જ સતત ચાર દિવસ સુધી વરસેલા ભારે વરસાદને કારણે જિલ્લાના 506 ગામોના ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખરીફ વાવેતરને નુકશાન પહોંચતા જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ સર્વે હાલ પૂર્ણ થયો છે અને જિલ્લાના 506 ગામના ખેડૂતોની 90 હજાર એકર જમીનમાં વાવેતર કરવામાં આવેલ પાકને નુકશાન પહોંચ્યું હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે, જો કે, ખેડૂતોને નુકશાન અંગેના સત્તાવાર આંકડા હવે પછી જાહેર કરવામાં આવશે.
રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના 506 ગામો પૈકી 503 ગામોનો સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના 506 ગામોમાં 57 ટિમો મારફતે કરાવેલા સર્વેમાં કુલ 4,39,004 હેકટર જમીનમાં કરવામાં આવેલ ખરીફ પાકના વાવેતર પૈકી 36 હજાર હેકટર એટલે કે 90 હજાર એકર જમીનમાં ખેડૂતોને પાક નુકશાની થઇ હોવાનું સામે આવ્યું છે, જો કે, ત્રણ ગામોનો સર્વે રિપોર્ટ બાકી હોય ગુરુવારે સાંજ સુધીમાં સર્વે રિપોર્ટ ફાઇનલ કરવામાં આવ્યા બાદ સરકારમાં મોકલવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લામાં ખેડૂતોને મુખ્યત્વે ખરીફ પાકોમાં કપાસ, મગફળી, તુવેર અને મરચીના પાકમાં વધુ પ્રમાણમાં નુકશાન પહોંચ્યું હોવાનું પણ સામે આવ્યું છે, હાલમાં કરવામાં આવેલ સર્વેમાં ખેડૂતોના પાકની નુકશાની અંગેનો રિપોર્ટ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, રાજકોટ જિલ્લામાં સૌથી વધુ નુકશાન રાજકોટ, ઉપલેટા, જામ કંડોરણા અને ગોંડલ તાલુકામાં થયું હોવાનું સામે આવ્યું છે. જો કે, ખેડૂતોને નુક્શાનની રકમ કેટલી તે અંગેની વિગતો ફાયનલ રિપોર્ટ બાદ જાહેર કરવામાં આવનાર હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું.