હાથીખાનામાં સામુ જોવા જેવી બાબતે જુથ અથડામણ : 7ની અટકાયત
9 શખસોએ એકબીજા પર સોડા બોટલોના ઘા કરી સ્કોર્પિયો કારમાં કરી તોડફોડ : ડીસીપી સહીતના અધિકારીઓએ દોડી જઈ મામલો થાણે પાડ્યો : ત્રણને ઇજા
રાજકોટના હાથીખાના વિસ્તારમાં સામું જોવા જેવી નજીવી બાબતે મુસ્લિમ અને ભરવાડ જૂથ વચ્ચે માથાકુટ થયા બાદ બઘડાટી બોલી હતી. જેમાં બન્ને જૂથના ત્રણ લોકોને ઈજા થઈ હતી. આ મામલે એ-ડીવીઝન પોલીસ અને ડીસીપી ઝોન-2 સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થિતિને કાબુમાં લીધી હતી. આ બનાવમાં પોલીસે બન્ને પક્ષે સામેસામે ફરિયાદ નોંધી હતી.અને 7 લોકોની અટકાયત કરવામાં આવી હતી.જયારે સમગ્ર મામલે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અને હાલ અન્યની શોધખોળ કરવામાં આવી રહી છે.
વિગત મુજબ હાથીખાના વિસ્તાર પાસે બનેલી જૂથ અથડામણની ઘટનામાં પોલીસે સામે સામે ફરિયાદ નોંધી છે.જેમાં મકાનનું લે-વેચનું કામ કરતાં દિવ્યેશ રમેશ પરમારની ફરિયાદને આધારે કુંભારવાડાના અકીલ શબીર મકરાણી, ફરાજ સલીમ ફલીયાણી, અરમાન સુમરા, અફઝલ હાજી, મુસ્તાક હાજી અને અજાણ્યા સહિત છ સામે ગુનો નોંધ્યો છે. જ્યારે સામા પક્ષે અકીલ શબીર મકરાણીની ફરિયાદ પરથી હાથીખાના અવધ ભરવાડ તેના ભાઈ દિવ્યેશ ભરવાડ તેના કાકાનો પુત્ર મંથન તથા તેના મિત્ર અમીત ગોહેલ અને અજાણ્યા બે મળી છ સામે ગુનો નોંધ્યો છે.ફરિયાદમાં દિવ્યેશ પરમારે જણાવ્યું હતું કે, તેના મોટા બાપુનો પુત્ર મંથન સ્કુટર લઈને જતો હતો ત્યારે અકીલ મકરાણી સાથે સામુ જોવા જેવી બાબતે ઝઘડો થયો હતો ત્યારબાદ દિવ્યેશ અને તેની સાથેનો ભાઈ કાર લઈને જતાં હતાં ત્યારે અકીલ સહિતના શખ્સોએ કાર ઉપર હુમલો કરી છુટા સોડા બોટલના ઘા કરી કારમાં નુકસાન કર્યુ હતું. તેમજ કારના કાચ તોડી નાખી દિવ્યેશ ઉપર અને મંથન ઉપર હુમલો કર્યો હતો. સામાપક્ષે અકીલ મકરાણીએ જણાવ્યું હતું કે,તે મોટર સાઈકલ લઈને જતો હતો ત્યારે સામુ કેમ જોતો હતો તેમ કહી તમામ આરોપીઓએ ગાળો આપી હતી.તેમજ અકીલ અને તેની સાથેના ભાઈ અલ્કાબા પર સોડા બોટલના ઘા કરી હુમલો કર્યો હતો.જેથી આ ઘટનાની જાણ થતા જ મામલો થાણે પડવા માટે ડીસીપી અને પીઆઇ સહીતના અધિકારીઓ પહોંચી ગયા હતા.તેમજ ગુનો નોંધી 7 લોકોની અટકાયત કરી હતી.