હરિયાણામાં કોંગ્રેસે લોકોને કેવા કર્યા વાયદા ? જુઓ
હરિયાણા વિધાન સભાની ચૂંટણી માટે બુધવારે કોંગ્રેસે ગેરંટી પત્ર જાહેર કરી દીધો હતો. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ લોકોને પાર્ટીની સાત ગેરંટીઓ આપી હતી જેમાં મોટા વાયદા કરાયા છે. હરિયાણા કોંગ્રેસના ઈન્ચાર્જ દીપક બાવરિયાએ કહ્યું હતું કે ભાજપના શાસનમાં હરિયાણામાં અપરાધો વધી ગયા છે. મહિલાઓને સશક્ત બનાવવા અમે બે હજાર રૂપિયા આપીશું. 18 વર્ષથી 60 વર્ષની મહિલાઓને તેનો ફાયદો મળશે. ઘોષણા પત્રને ગેરંટી પત્ર નામ આપ્યું છે. સત્તા મળે તો સર્વવ્યાપી વિકાસની ગેરંટી અપાઈ છે.
મોંઘવારીનું ભારણ ઘટાડવા માટે સિલિન્ડર પણ 500 રૂપિયા કરી આપીશું. લોકોની મુશ્કેલી ઘટાડવા માટે વૃદ્ધો, દિવ્યાંગો અને વિધવાઓને 6 હજાર રૂપિયા પેન્શન ચૂકવાશે. જ્યારે નિવૃત્ત કર્મચારીઓનું જીવન સરળ બનાવવા ઓપીએસ લાગુ કરાશે. યુવાઓને શ્રેષ્ઠ ભવિષ્ય આપીશું. 2 લાખ ખાલી પદો પર ભરતી બહાર પાડશું અને હરિયાણાને નશામુક્ત કરવાના પ્રયાસ કરીશું. આ સાથે કોંગ્રેસે આ રાજ્યમાં પણ 300 યુનિટ ફ્રી વીજળી આપવાનો વાયદો કર્યો હતો.
ગરીબોને 2 રૂમનું મકાન આપવા અને રૂપિયા 500 માં ગેસ સિલિન્ડર આપવાનો વાયદો કરાયો છે. ખેડૂતોને આકર્ષવા માટે એમએસપીને કાયદાકીય ગેરંટી બનાવવામાં આવશે તેવું વચન અપાયું છે. દિલ્હીમાં પાર્ટીના વડામથક ખાતેથી આ પત્ર જાહેર કરાયું હતું.