ગુજરાતને મળી દેશની પહેલી ‘નમો ભારત રેપીડ રેલ ‘
ગાંધીનગર અને અમદાવાદને જોડતી મેટ્રો ફેસ 2નો વડાપ્રધાન મોદીએ કરાવ્યો શુભારંભ
સેક્ટર 1ના સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં બેસીને મુસાફરી કરી
વંદે મેટ્રો ટ્રેનનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ રાખવામાં આવ્યું છે. આજે ગુજરાતને પહેલી નમો ભારત રેપિડ રેલ મળી છે અને આ ટ્રેનને વડાપ્રધાન મોદીએ અમદાવાદથી લીલીઝંડી આપી છે. આ નમો ભારત રેપિડ રેલ ટ્રેન અમદાવાદ-ભુજ વચ્ચે દોડશે. નમો ભારત રેપિડ રેલ સપ્તાહમાં 6 દિવસ દોડશે.
આ ટ્રેનનું પહેલા વંદે ભારત મેટ્રો હતું જેનું નામ હવે બદલીને નમો ભારત રેપિડ રેલ કરી દેવામાં આવ્યું છે.
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો સોમવારે શુભારંભ કરવામાં આવ્યો છે. મેટ્રો ફેઝ-2 મોઢેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે. એટલું જ નહીં પરંતુ મેટ્રો ફેસ 2 નો એક કોરિડોર ગિફ્ટ સિટી, ગાંધીનગર અને અમદાવાદને જોડશે. વડાપ્રધાને સેક્ટર 1ના સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં બેસીને મુસાફરી કરી હતી. આ પૂર્વે નરેન્દ્ર મોદીનું મેટ્રો સ્ટેશન પર ઢોલનગારા વગાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે અન્ય ટોચના અધિકારીઓ તથા વરિષ્ઠ રાજકીય આગેવાનો હાજર હતા.
આવનારા સમયમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી જશે. પીએમ નરેન્દ્ર મોદીએ ફેઝ 2 નું 20.8 કિમીના કોરિડોર અને 8 સ્ટેશનને ખુલ્લા મુક્યા છે. મોઢેરાથી સેક્ટર 1 સુધીના 15.4 કિમી અને 6 સ્ટેશન અને 5.4 કિમીના 2 સ્ટેશનના લીંક લાઈનનો સમાવેશ થાય છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2 મોટેરા ગાંધીનગર વચ્ચે જોડાયેલ છે. ફેઝ 2 એ અમદાવાદ મેટ્રો ફેઝ-1 ના ઉત્તર-દક્ષિણ મેટ્રો કોરિડોરને આગળનો વિસ્તાર છે.
મેટ્રો ફેઝ 2 રેલ લાઇનની કુલ લંબાઈ 28.2 કિમી છે. જેમાં 22.8 કિમી મુખ્ય લાઇન અને 5.4 કિમી શાખા લાઇનનો સમાવેશ થાય છે. મુખ્ય લાઇનમાં 20 સ્ટેશન અને શાખા લાઇનમાં 2 સ્ટેશન નો સમાવેશ થાય છે.
મોદીએ ઈ-ટીકીટ ખરીદી મુસાફરી કરી
પીએમ મોદીએ ઇ-ટિકિટ ખરીદી હતી અને તેનું પેમેન્ટ પણ ડિજિટલ માધ્યમથી કર્યુ હતું. તેના પછી નરેન્દ્ર મોદીએ મેટ્રોમાં સવારી કરી તે દરમિયાન તેમની સાથે પ્રવાસ કરનારા લોકો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. તેમની સાથે સંવાદ કરી તેમને મેટ્રોનો અનુભવ જાણ્યો હતો. તેમને મેટ્રોથી કેટલો ફાયદો થયો તેવા સવાલ પૂછ્યા હતા. નરેન્દ્ર મોદીએ તેમના 74માં જન્મદિવસના એક દિવસ પહેલાં જ આ અમદાવાદ અને ગાંધીનગરને મેટ્રોની અનોખી ભેટ આપી હતી.