મોડી રાત્રે પિકનિક સ્પોટ પર બે આર્મી ઓફિસરને લૂંટી સ્ત્રી મિત્ર પર ગેંગ રેપ
મધ્યપ્રદેશના મહુ માં બનેલી ઘટનાથી હાહાકાર
બેરહેમેથી ઢોર માર્યો,10 લાખની ખંડણી માંગી
મધ્યપ્રદેશના મહુ માં છ થી સાત જેટલા હથિયારધારી શખ્સોએ બે યુવાન આર્મી ઓફિસરોને માર મારી લૂંટી લીધા બાદ એક અધિકારીની સ્ત્રી મિત્ર પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. આ બંને ઓફિસર તેમની સ્ત્રી મિત્રો સાથે પિકનિક સપોટ ઉપર ગયા હતા ત્યારે રાત્રે બે વાગ્યે આ ઘટના બની હતી. પોલીસે આ મામલે શખ્સોને ઝડપી લઇ નાસી છૂટેલા અન્ય ચાર થી પાંચ બદમાશોને ઝડપવા જંગલમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર મહુ કેન્ટોનમેન્ટ માં આવેલી ઇન્ફન્ટરી સ્કૂલમાં યંગ ઓફિસર્સ કોર્સ કરી રહેલા 23 અને 24 વર્ષના બે આર્મી ઓફિસર તેમની સ્ત્રી મિત્રો સાથે આર્મી સ્કૂલની ફાયરિંગ રેન્જ નજીક મહુ મંડલેશ્વર રોડ પર આવેલા જામો ગેટ નામના લોકપ્રિય પિકનિક સ્પોટ ઉપર ફરવા માટે ગયા હતા.
એ દરમિયાન એક ઓફિસર અને મહિલા કારમાં બેઠા હતા ત્યારે રાત્રે બે વાગ્યાના અરસામાં પિસ્તોલ, ચાકુ અને લાકડી જેવા હથિયારો સાથે છ થી સાત ગુંડાઓ ત્યાં ધસી આવ્યા હતા અને બંનેને બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું.
તેમના અવાજ સાંભળી અને નજીકની પહાડીના ટોચ પર બેઠેલા બીજા ઓફિસર અને મહિલા કાર તરફ દોડી ગયા હતા પરંતુ હુમલાખોરોએ તેમને પણ માર માર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ કારમાં બેઠેલા યુગલને બંદૂકની અણીએ બંધક બનાવી બદમાશોએ 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.
એ દરમિયાન મોકો મળતા બીજા ઓફિસરે ફોન કરી મહુ ખાતે સિનિયર અધિકારીઓને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પરંતુ તે પહેલા લૂંટ ચલાવી અને હુમલાખોરો નાસી છૂટ્યા હતા. સવારે 6:30 વાગ્યે બંને ઓફિસર અને મહિલાઓને મહુ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં એક મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મ થયાનું ખુલ્યું હતું.
આ ઘટના બાદ ચાર પોલીસ સ્ટેશનના જવાનો દ્વારા જંગલમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે બે શખ્સોને ઝડપી લીધા હતા. તે પૈકીના એક સામે 2016 માં લૂંટનો ગુનો નોંધાયો હતો. અન્ય આરોપીઓની પણ ઓળખ મળી ગઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.