- ભારતનો દરિયાઈ માર્ગ વાસ્કો દ’ ગામાએ નહોતો શોધ્યો
મધ્યપ્રદેશના ઉચ્ચ શિક્ષણ મંત્રી ઇન્દ્ર સિંઘ પરમારના જણાવ્યા મુજબ અમેરિકાની શોધ કોલંબસે નહીં પરંતુ ભારતના ખલાસીએ કરી હતી. ભારતનો દરિયાઈ માર્ગ પણ વાસ્કો દ’ ગામા એ નહીં પણ ચંદન નામના ભારતીય વેપારીએ શોધ્યો હોવાનો તેમણે દાવો કર્યો હતો. ભારતમાં વિદ્યાર્થીઓને ખોટો ઈતિહાસ ભણાવવામાં આવતો હોવાનું જણાવી તેમણે અભ્યાસક્રમમાંથી કોલંબસ અને વાસ્કો દ’ ગામા ને દૂર કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તેમણે ઇતિહાસ ઉપર હાથ અજમાવીને આ જ્ઞાન આપ્યું ત્યારે મધ્યપ્રદેશના ગવર્નર મંગુભાઈ પટેલ અને મુખ્યમંત્રી મોહન યાદવ પણ ઉપસ્થિત હતા.
મધ્યપ્રદેશની બરકુતલ્લા યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં બોલતા તેમણે કહ્યું કે અમેરિકાની શોધ છેક આઠમી સદીમાં વાસુલુન નામના ભારતીય ખલાસીએ કરી હતી કોલંબસે નહીં. તેમણે સવાલ કર્યો કે કોલંબસે અમેરિકાની શોધ કરી તેની સાથે ભારતના વિદ્યાર્થીઓને શું નિસ્બત? ભારતમાં ભણાવવામાં આવતો ઇતિહાસ ક્ષતિપૂર્ણ હોવાનું જણાવી તેમણે કહ્યું કે હકીકતમાં તો કોલંબસે અમેરિકા શોધ્યા પછી ત્યાંના મૂળ નિવાસીઓ ઉપર કરેલા અમાનવીય દમનની વાત ઇતિહાસમાં જણાવવી જોઈએ. એ મૂળ નિવાસીઓ સૂર્યપૂજક હતા અને આક્રમણખોર અમેરિકાનો એ તેમનું નિકંદન કાઢી નાખ્યું હતું. તેમણે કહ્યું કે એ મૂળ નિવાસીઓ સાથે રહી વાસુલુને સન ડીએગો શહેરમાં અનેક મંદિરો બાંધ્યા હતા. જો કે બીજી તરફ એ શહેરની સ્થાપના ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં થયો હોવાનું ઇતિહાસકારોએ નોંધ્યું છે.
ઇન્દ્ર સિંઘ પરમારે વાસ્કો દ ગામાએ ભારતનો દરિયાઈ માર્ગ શોધ્યો હોવાની વાત પણ હંબગ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ચંદન નામના ભારતીય વેપારી આફ્રિકાથી વહાણ લઈને આવતા હતા તેમની પાછળ પાછળ વાહન ચલાવી અને વાસકો દ’ ગામા ભારત પહોંચ્યો હતો.