ડ્રાઈવરે નશામાં અકસ્માત સર્જ્યો હોય તો વળતર પણ તે જ ચુકવે
આવા કિસ્સામાં વળતર ચુકવવા વીમા કંપની જવાબદાર નથી : ગુજરાત હાઇકોર્ટે આપ્યો મોટો ચુકાદો
ગુજરાતમાં દારુબંધી છે અને જો કોઈ વાહન ચાલક નશો કરેલી હાલતમાં અકસ્માત સર્જે અને વળતર આપવાનું થાય તો આ વળતર વાહન ચાલકે જ ચુકવવું પડે. આવા કિસ્સામાં વીમા કંપનીની કોઈ જવાબદારી નથી તેવું ગુજરાત હાઇકોર્ટે ઠેરવ્યુ છે.
હાઇકોર્ટે કહ્યું હતું કે નશાની હાલતમાં થતા અકસ્માત કેસમાં વળતર ચૂકવવા માટે ખુદ વાહન ચાલક જવાબદાર છે. માત્ર વીમા કંપની પર વળતરની જવાબદારી નહીં. હાઇકોર્ટે કહ્યું હતું કે વીમા કંપની ઈચ્છે તો વાહનચાલક પાસે વળતર વસૂલી શકે છે. બનાસકાંઠામાં 2016માં થયેલા અકસ્માતના કિસ્સામાં હાઇકોર્ટે મહત્વનું અવલોકન કર્યું હતું.
આ કેસ પેસેન્જરોને લઈ જતી એક ટેક્સીનો છે જેને નવેમ્બર 2016માં પાલનપુર અને અંબાજી વચ્ચે એક્સિડન્ટ નડ્યો હતો. આ ઘટનામાં ત્રણ વ્યક્તિને ઈજા થઈ હતી અને તેમણે વળતર માગ્યું હતું. મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલે આના માટે ઈન્શ્યોરન્સ કંપની યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સને અને વાહનના માલિકને – સંયુક્ત રીતે વીમાનો ક્લેમ ચૂકવવા આદેશ આપ્યો હતો.
ટ્રિબ્યુનલે કહ્યું કે કાર ચલાવનારે ડ્રાઈવિંગ વખતે શરાબ પીધો હતો તેવું પૂરવાર નથી થયું. વીમા કંપનીએ ટ્રિબ્યુનલના ઓર્ડરને ગુજરાત હાઈકોર્ટમાં ચેલેન્જ કર્યો જ્યાં તેમણે એફઆઈઆરની વિગતો, ચાર્જ શીટ, મેડિકો-લીગલ કેસ અને ફોરેન્સિક રિપોર્ટને ટાંકીને જણાવ્યું કે આ અકસ્માત થયો ત્યારે ડ્રાઈવરે શરાબ પીધો હતો.
જોકે, વીમા કંપનીના વકીલે દલીલ કરી કે ગુજરાત એ ડ્રાય સ્ટેટ છે અને ગુજરાતમાં વાહનચાલકો માટે શરાબ પીવાની કોઈ પરમિસિબલ લિમિટ નથી. ગુજરાતમાં કાયદેસર રીતે શરાબ પીવાની મનાઈ છે. જસ્ટિસ સંદીપ ભટ્ટે પોતાના ઓર્ડરમાં જણાવ્યું કે આલ્કોહોલનું પ્રમાણ પરમિસિબલ લિમિટમાં છે કે નહીં તે ગુજરાતની બહાર નક્કી થવું જોઈએ જ્યાં શરાબ પીવાની છૂટ છે. ગુજરાતમાં તે લાગુ નથી પડતું. ગુજરાત ડ્રાય સ્ટેટ છે તેથી અહીં ડ્રાઈવરના લોહીમાં જરાય આલ્કોહોલ ચલાવી લેવાય નહીં. તેથી વીમા કંપની આ વળતર ચૂકવવા માટે જવાબદાર નથી. માત્ર વાહનના માલિકે જ વળતર ચૂકવવું જોઈએ.
હાઈકોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ જણાવ્યું કે ડ્રાઈવરને એક્સિડન્ટ અંગેના ક્રિમિનલ કેસમાંથી છોડવામાં આવ્યો તેનો અર્થ એવો નથી કે વાહનનો માલિક વળતર ચૂકવવામાંથી પણ છૂટી જાય કારણ કે ફોરેન્સિક રિપોર્ટ અને ચાર્જશીટ દર્શાવે છે કે એક્સિડન્ટના સમયે ડ્રાઈવર પીધેલો હતો. કારનો વીમો ઉતરાવેલ હતો તેથી હાઈકોર્ટે વીમા કંપનીને સૌથી પહેલા ક્લેમ ચૂકવવા અને પછી વાહનના માલિક પાસેથી આ રકમ રિકવર કરવા જણાવ્યું હતું.