સફાઈ કર્મીઓના સેટઅપનો બાબા આદમના વખતનો ઠરાવ રદ્દ કરો
૨૫ વર્ષ પહેલાનું સેટઅપ હજુ જાળવી રાખવામાં આવ્યું હોવાથી કઈ રીતે સચોટ સફાઈ જઈ શકે ? કોંગ્રેસે મનપા કચેરી ગજવી
રાજકોટમાં અત્યારે ૪૯૦૦ સફાઈ કામદારોનું સેટઅપ છે. જો કે શહેરમાં કોઠારિયા, વાવડી, મવડી, મુંજકા, નાનામવા, મોટામવા, રૈયા, માધાપર સહિતના ગામો ભળી ગયા હોવા છતાં ૨૫ વર્ષ પહેલાંનું જ સેટઅપ જાળવી રાખવામાં આવ્યું હોવાથી અનેક વિસ્તારોમાં સચોટ સફાઈ થઈ રહી નથી. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા મહાપાલિકા કચેરી ગજવીને બાબા આદમના વખતનો આ જૂનો ઠરાવ રદ્દ કરવા મ્યુનિ.કમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની આગેવાનીમાં પાઠવાયેલા આવેદનમાં જણાવાયું હતું કે ૪૯૦૦માંથી ૨૧૪૮ સફાઈ કામદારો કાયમી તરીકે નોકરી કરે છે અને ૨૨૦ જેટલા સફાઈ કામદારો કોન્ટ્રાક્ટર મારફતે કામ કરી રહ્યા છે જેનું રીતસરનું શોષણ થઈ રહ્યું છે. બાકી રહેલી ૫૩૨ જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ તેના માટે પણ કટકીના ખેલ શરૂ થઈ ચૂક્યા છે. વળી, મહાપાલિકા દ્વારા માતા-પિતા, દાદા-દાદી રાજકોટ મનપાના સફાઈ કર્મચારી તરીકે નોકરી કરી હશે તેના જ વારસદારને નોકરી મળશે અને તે પણ પાર્ટટાઈમ હશે તેવી જાહેરાત કરવામાં આવતાં તે અન્યાય જ છે. આ ઠરાવને રદ્દ કરી સફાઈ કામદારોની જગ્યા વધારવામાં આવશે તો જ પૂરતી સફાઈ થઈ શકશે સાથે સાથે વારસદારોને જ પાર્ટટાઈમ નોકરી આપવી તેવો હઠાગ્રહ છોડી દેવો જોઈએ.
કોંગ્રેસના ચાર કોર્પોરેટર છે છતાં વિપક્ષ કાર્યાલય કેમ નહીં ?
કોંગ્રેસ દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે જ્યારે મહાપાલિકામાં વિપક્ષના એક કોર્પોરેટર હતા ત્યારે પણ કાર્યાલય ફાળવવામાં આવ્યું હતું. જ્યારે અત્યારે કોંગ્રેસના ચાર કોર્પોરેટર છે આમ છતાં તેને ઓફિસ ફાળવવામાં આવી રહી નથી. જો કોંગ્રેસની ઓફિસ હોય તો લોકોના મહાપાલિકાને લગતા નાના-મોટા પ્રશ્નો અહીંથી જ ઉકેલી શકાશે.