નાણાવટી ચોક પાસેનો બનાવ : મહિલાને હડધૂત કરી માર મારતા 10 સામે નોંધાતો ગુનો
વોઇસ ઓફ ડે રાજકોટ
શહેરમાં નાણાવટી ચોક પરમેશ્વર સોસાયટીમાં શેરીમાં શ્વાનને બાંધી રાખવાનું કહેતાં પાડોશી શખ્સોએ મહિલાને હડધૂત કરી તેના ઘર પર પથ્થરમારો કરતાં મહિલાને ઈજા પહોંચી હતી. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. બનાવ અંગે નાણાવટી ચોક પરમેશ્વર સોસાયટી આર.એમ.સી. આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં ભાવિનીબેન શૈલેષભાઇ ઝાલા (ઉ.વ.21) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જય અતુલ મકવાણા, રાજ અતુલ લુણીયાતર, અંશ અતુલ લુણીયાતર, શક્તિ, મિતલબેન અતુલ લુણીયાતર, નૈના જયુ મકવાણા, પાર્થ ઉર્ફે ખિસકોલી, પ્રકાશ રમેશ મકવાણા અને બે અજાણ્યાં શખ્સોના નામ આપતાં જણાવ્યું હતું કે,તેઓ રાત્રિના ઘર પાસે બેઠા હતા ત્યારે જય અને તેની સાથેના બે આરોપીઓ શેરીમાં કુતરાને દોડાવતા હોય એટલે ફરિયાદીએ શેરીમાં કુતરાને બાંધીને રાખવાનું કહેતા તેઓ ઉશ્કેરાયા હતા.અને ઝગડો કરી તમામ આરોપીએ તેમના ઘર પર પથ્થરોના ઘા કર્યા હતા. જેમાં મહિલાને ઇજા પહોંચી હતી.ઉપરાંત આરોપીઓએ મહિલાને હડધૂત કરતાં યુનિવર્સિટી પોલીસે એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો