- પોલીસ કમિશનરનાં નિવૃત પી.એ. રમેશચંદ્ર ભટ્ટે નિસ્વાર્થભાવે જ્ઞાતિને એક તાંતણે જોડી
રાજકોટ
આજના સમયમાં જ્ઞાતિ-જાતિના નામનો ઉપયોગ માત્ર રાજકારણના રોટલા શેકવા માટે થાય છે, તેના નામે હિંસા થાય છે અને ભાગલા પણ પડે છે. પરંતુ આ જ જ્ઞાતિ કે જાતિનો ઈતિહાસ કેટલો સુવર્ણ કે ભવ્ય હોય છે તે બહુ ઓછા લોકો જાણે છે. આજની નવી પેઢીને તો જ્ઞાતિના ઈતિહાસની ખબર પણ હોતી નથી. આવી સ્થિતિમાં વરસો સુધી રાજકોટના પોલીસ કમિશનરના અંગત મદદનીશ રહી ચુકેલા રમેશ ભટ્ટ નામના નિવૃત અધિકારીએ ઔદિચ્ય બ્રાહ્મણોનો રોચક ઈતિહાસ ખોદી કાઢ્યો છે.
ઘણા લાંબા સમયની મહેનત અને જ્ઞાતિજનોના સહયોગથી રમેશ ભટ્ટે 308 પાનાનો ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિનો સંકલિત ઈતિહાસ બહાર પાડ્યો છે.આ ઇતિહાસની વિશેષતા એ છે કે તેમાં રમેશ ભટ્ટે આજની ટેકનોલોજીનો ઉપયોગ પણ કર્યો છે અને જે ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણની વસતિ છે તે ગામ મુખ્ય વસતિવાળા ગામ સિદ્ધપુર, સિંહોર અને ખંભાતથી કેટલા ગાઉ, કોશ અને યોજન દુર છે, કઈ દિશામાં છે તેનો નકશા સાથે ઉલ્લેખ કર્યો છે.
વોઈસ ઓફ ડે સાથેની વાતચીતમાં રમેશ ભટ્ટે કહ્યું હતું કે, ઘણા ગામો એવા છે જે એક સરખા નામ ધરાવે છે. કેટલાક ગામ એવા છે કે, જેને જુનું નામ છે અને પછી નવુ નામ મળ્યુ છે. અને આમ છતાં ગુગલ મેપ ઉપર તેનો ઉલ્લેખ નથી. આ માહિતી સંપુટમાં ઔદિચ્ય બ્રાહ્મણોને જે જે ગામ અર્પણ કરવામાં આવ્યા હતા તે ગામનું હાલનું નામ મેળવી સર્ચ કર્યું અને પછી તેના સ્ક્રીનશોટ લઈને આ ગામ સિદ્ધપુર, સિંહોર અને ખંભાતથી કેટલું દુર થાય તેની વિગતો પણ આપી છે.
આ ઈતિહાસ તૈયાર કરવા માટે તેમણે સ્વખર્ચે પ્રવાસ પણ કર્યો છે અને કોઈ પ્રકારની વાહવાહી થાય તેવા પ્રયાસ કર્યા નથી. તેમણે અગાઉ બહાર પડેલા ઇતિહાસનું સંકલન કરીને બધી જ માહિતી એક જ પુસ્તકમાં પ્રાપ્ત થાય તેવો પ્રયાસ કર્યો છે. આ તમામ માહિતી મેળવતા અને તેનું સંકલન કરીને પ્રકાશિત કરતા તેમને આઠ મહિના જેવો સમય થયો છે. ઔદિચ્ય બ્રાહ્મણ અંગેની આટલી ઝીણવટભરી માહિતી એકત્ર કરીને તેનો સંપુટ બહાર પાડવા બદલ રમેશ ભટ્ટ ઉપર અભિનંદન વરસી રહ્યા છે. તેમનો સંપર્ક 99243 89802 ઉપર થઇ શકે છે.
