પુત્રી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમને માતાને ઠાર માર્યો’તો : મહિલા ન્યાયનું પ્રતીક બની
- જર્મનીમાં ભર અદાલતમાં માતાએ તોળેલા ન્યાયની અમર ગાથા
કોલકતામાં મહિલા તબીબ પરના દુષ્કર્મ અને હત્યાના બનાવ બાદ આવા નરાધમોને ફાંસીના માચડે લટકાવી દેવાની માંગણી જોર પકડતી જાય છે. આવા નરપિચાશો સમાજ માટે ખતરારૂપ છે.એ દયાને પાત્ર નથી.અનેક મુસ્લિમ રાષ્ટ્રોમાં દુષ્કર્મ બદલ ગળું કાપી નાખવામાં આવે છે.ભારતમાં મૃત્યુદંડની સજા અંગે મતમતાંતરો પ્રવર્તે છે.સવાલ એ છે કે કોઈ યુવતી ઉપર જાતીય અત્યાચાર ગુજારનાર,તેની ગરિમા,તેનું શિયળ,તેનું સન્માન અને તેનો આત્મા લૂંટનારા હવસખોરોને જીવતા છોડવા જોઈએ? આ વિવાદ ચાલે છે અને ચાલતો રહેશે.પણ આજે આપણે વાત કરવી છે એક માસુમ બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર એક શખ્સને એ બાળકીની માતાએ આપેલી સજાની, એ બાળકીની માતાએ તોળેલા ન્યાયની. આજે જ્યારે કોલકતાની ઘટનાએ સમગ્ર દેશના આત્માને હચમચાવી દીધો છે ત્યારે ચાર દાયકા પહેલાં બનેલી એ ઘટના યાદ કરવાનું પ્રાસંગિક બની રહેશે.
વાત છે જર્મનીની. માતાનું નામ હતું મેરીને બાચમેર.1950 ની 3 જી જુને પશ્ચિમ જર્મનીના સરેસ્ટેડ નામના નાનકડા ગામડામાં તેનો જન્મ થયો હતો.તેના માતા પિતા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇસ્ટ પૃસિયાથી ભાગીને નિર્વાસિત તરીકે ત્યાં સ્થાયી થયા હતા.મેરીનેનો ઉછેર અત્યંત રૂઢિચુસ્ત પરિવારમાં થયો હતો. માતા પિતા ધાર્મિક મનોવૃત્તિ ધરાવતા હતા પણ તેના પિતાને શરાબનું વ્યસન આભડી ગયું હતી.તે મોટાભાગનો સમય નજીકના પબમાં વિતાવતો અને પછી નશામાં ચકચૂર થઈને ઘરે આવે ત્યારે મેરીને અને તેની માતા ઉપર જુલમ ગુજારતો.અંતે તેની માતા એ છૂટાછેડા લઈ લીધા અને બીજા પુરુષને પરણી ગઈ.મેરીનેનું બાળપણ ખૂબ કષ્ટદાયક હતું.માતા પિતાના પ્રેમ અને હૂંફના અભાવમાં તે એકલી અટૂલી હતી.પણ તેના નસીબમાં તો અપમાન અને ઉપેક્ષા જ હતા.અધૂરામાં પૂરું એક દિવસ તેની માતાએ પણ તેને તરછોડી દીધી.કોઈના સાથ, સહકાર કે માર્ગદર્શન વગર હજુ દુનિયાદારી ન સમજતી,અપરિપકવ મેરીનેની જીંદગી સુકાન વગરના વહાણ જેવી હતી.એ ઠોકરો ખાતી રહી અને વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ભોગ બનતી રહી.
16 વર્ષની વયે તે પ્રથમ વખત કુંવારી માતા બની.એ બાળકને તેણે એક સુખી પરિવારને દત્તક આપી દીધું.18 વર્ષની વયે તે દુષ્કર્મનો ભોગ બની.તે પછી તેણે વધુ એક બાળકને જન્મ આપ્યો.એ બાળકને પણ બીજા એક પરિવારે દતક લઈ લીધું.
22 વર્ષની ઉમરે તે ફરી ગર્ભવતી બની અને 14 નવેમ્બર 1972 ના રોજ તેણે એક સુંદર પુત્રીને જનમ આપ્યો અને તેનું નામ રાખ્યું અન્ના.
આગલા બે સંતાનોને લાચારીવશ તરછોડી દેનાર મેરીનેએ અન્નાને પોતાની પાસે જ રાખી.અન્ના તેના જીવનનું સર્વસ્વ હતી પણ મુશ્કેલી એ હતી કે મેરીને સિંગલ મધર હતી. પબ માં નોકરી કરીને પેટિયું રળતી હતી.પરિવારમાં બીજું કોઈ હતું નહીં એટલે મેરીને તેની પુત્રીને નોકરીના સ્થળે પણ સાથે જ લઈ જતી.મેરીને આખી રાત પબ માં ફરજ બજાવતી.માસુમ પુત્રી ત્યાં જ સૂઈ જતી.નોકરી પૂરી થાય ત્યારે મેરીને ઘરે જતી અને દિવસના ભાગમાં ઊંઘ ખેંચી લેતી.પણ એ પોતે સૂતી હોય ત્યારે પુત્રી અન્ના એકલી થઈ જતી.
આવા સંજોગોમાં એ બાળકી ઘણી વખત નજીકમાં રહેતા 35 વર્ષના ક્લાઉસ ગ્રાબોવસ્કી નામના કસાઈ ના ઘરે બિલાડીના બચ્ચાંને રમાડવા જતી.
એ દરમિયાન 5 મે 1980 ના દિવસે સાત વર્ષની અન્ના એ કસાઈના ઘરે ગઈ ત્યારે ક્લાઉસે એ માસુમ બાળા પર બળાત્કાર કરીને બાદમાં ગળું દબાવીને મારી નાખી.નિર્દય હત્યારાએ બાળકીના મૃતદેહને લાકડાની પેટીમાં બંધ કરી એક નહેરના કિનારા ઉપર ફેંકી દીધી હતી.આ ઘટનામાં પોલીસે ક્લાઉસની ધરપકડ કર્યા બાદ તેની સામે દુષ્કર્મ અને હત્યાનો કેસ ચાલુ થયો હતો.ક્લાઉસને એ અગાઉ પણ બે બાળાઓ પર જાતીય દુર્વ્યવહાર બદલ જેલની સજા થઈ હતી.તે હોર્મોન્સના અસંતુલન અંગે તબીબી સારવાર લેતો હતો તેવી તેના બચાવમાં દલીલ કરવામાં આવી હતી.અદાલતમાં તે કેસની સુનાવણી ચાલતી હતી તે દરમિયાન મેરીનાએ ગમે તેમ કરીને બેરેટા ગન મેળવી લીધી હતી.તા.6 માર્ચ 1981 ના રોજ સુનાવણીના ત્રીજા દિવસે મેરીને અદાલતમાં પહોચી.સવારે 10 વાગ્યે દલીલો શરૂ થઈ ત્યાં જ તે આરોપીના પિંજરામાં ઊભેલા ક્લાઉસની સામે ગઈ.તિરસ્કારભરી નજર વડે તેને બે ઘડી જોયો અને પછી એક પણ શબ્દ બોલ્યા વગર બેરેટા ગન માંથી એક પછી એક સાત રાઉન્ડ ફાયર કરીને પોતાની માસુમ પુત્રના હત્યારાને વીંધી નાખ્યો. મેરીનાએ સજા આપી દીધી.અને પછી ગન નીચે મૂકી પોતાની જાતને પોલીસને હવાલે કરી દીધી.
આ ઘટનાએ સમગ્ર વેસ્ટ જર્મનીમાં સનસનાટી ફેલાવી દીધી હતી.નાનકડા ગામડામાં મીડિયાનો જમાવડો થઈ ગયો હતો.મેરીને ની તરફેણમાં સહાનુભૂતિના ઘોડાપૂર ઉમટ્યા હતા.મેરીને કુદરતી ન્યાયનું પ્રતીક બની ગઈ હતી.પોતાની માસુમ પુત્રીના હત્યારાને ઠાર મરનાર માતાએ લીધેલા વેરને લોકોએ યોગ્ય અને ન્યાયી ગણાવ્યું હતું.મેરીને લાખો લોકો માટે હીરો બની ગઈ હતી.અદાલતમાં તેની વિરુદ્ધ કેસ ચાલ્યો ત્યારે કોર્ટરૂમ ખીચોખીચ ભરાઈ જતો.અંતે મેરીનેને માનવવધ અને ગેરકાયદે હથિયાર રાખવાના ગુનામાં છ વર્ષની સજા ફરમાવવામાં આવી હતી પણ ત્રણ વર્ષ બાદ તેનો પેરોલ પર છુટકારો થઈ ગયો.
તે પછી અનેક રેડિયો ટોક અને ટેલિવિઝન શો માં તેણે ભાગ લીધો હતો.ક્લાઉસને ઠાર મારવાનો નિર્ણય પોતે ખૂબ સમજી વિચારીને લીધો હોવાનું મેરીનેએ જણાવ્યું હતું.એ નરાધમ જીવતો રહ્યો હોત તો બીજી અનેક માસુમ બાળકીઓ તેનો ભોગ બની હોત અને એ સંજોગોમાં તેને મારી નાખવો એ જ સાચો ન્યાય હતો તેવું તેણે જાહેર કર્યું હતું.
મેરીનેના આ પગલાં બાદ જર્મનીમાં કુદરતી અને જાગૃત ન્યાય અંગે રાષ્ટ્રવ્યાપી ચર્ચા શરૂ થઈ હતી.મેરીનેના જીવન પર 1984 માં ‘ ધિસ ઇઝ ફોર યુ અન્ના ‘ નામનું નાટક બન્યું હતું.એ જ વર્ષે ‘ અન્ના’ઝ મધર ‘ ‘ નો ટાઇમ ફોર ટિયરસ ‘ નામની બે ફિલ્મો બની હતી અને બન્ને સુપરહિટ સાબિત થઈ હતી. એ ઉપરાંત ‘ વિજિલેંટ જસ્ટિસ ઓફ આ મધર’ , ‘ મેરીને બચમેર રીવેન્જ઼ ‘ અને ‘વ્હેન વિમેન કિલ ‘નામની ડોક્યુમેન્ટરી બનેલી.’બાચમર મેરીને ‘ નામની તેની આત્મકથા ખૂબ લોકપ્રિય બની હતી.
17 સપ્ટેમ્બર 1996ના રોજ 46 વર્ષની વયે તેનું કેન્સરને કારણે અવસાન થયું હતું.તેને તેની વ્હાલસોઇ પુત્રીની કબરની બાજુમાં જ દફનાવવામાં ત્યારે હજારો લોકોનો આંખો અશ્રુભીની થઈ ગઈ હતી. જર્મનીના ઇતિહાસ અને લોકગાથાઓમાં મેરીને પોતાની પુત્રીના હત્યારાને કુદરતી ન્યાય આપનાર મમતામયી બહાદુર માતા તરીકે અમર થઈ ગઈ છે.