દોઢ કલાક સુધી ચાલ્યું ઓપરેશન: એસઓજી, ક્યુઆરટી, એરપોર્ટ ઓથોરિટી, સીઆઈએસએફના ૪૮ જવાનોએ સંભાળ્યો મોરચો
વોઈસ ઓફ ડે, રાજકોટ
સ્વતંત્રતા પર્વ ઉપર ખાનાખરાબી સર્જવાના લોહિયાળ મનસૂબા ફરી એક વખત સુરક્ષા એજન્સીએ નાકામ બનાવી દીધા હતા. રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બપોરે ત્રણ વાગ્યા આસપાસ અચાનક જ ચાર આતંકીઓ કારમાં ઘૂસી જતાં દોડધામ થઈ જવા પામી હતી. આ પછી સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક મોરચો સંભાળી લઈ દોઢ કલાક સુધી ચાલેલા ઓપરેશન દરમિયાન ત્રણ આતંકીને ઠાર માર્યા હતા અને એકને જીવતો પકડી પાડ્યો હતો.
બપોરે ૩ વાગ્યે એરપોર્ટ કંટ્રોલ રૂમ ઉપરથી પોલીસ કંટ્રોલ રૂમ ઉપર ફોન આવ્યો હતો કે એરપોર્ટના પાર્કિંગ વિસ્તારમાં ચાર આતંકીઓ ઘૂસી આવ્યા છે. આ પ્રકારનો કોલ મળતાં જ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના ૧૭ જવાનો, એરપોર્ટ પર તૈનાત સીઆઈએસએફના ૨૩ જવાનો, ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યુઆરટી)ના ૬, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના બે મળી ૪૮ જવાનોએ આતંકીઓનો હિંમતભેર સામનો કરી ઓપરેશન ચલાવ્યું હતું.
આ કાર્યવાહીના અંતે સમગ્ર કાર્યવાહી મોકડ્રિલ હોવાનું જાહેર કરાતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ મોકડ્રીલમાં અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરિયાના માર્ગદર્શન હેઠળ તમામ કાર્યવાહી કરવામાં આવી હતી.