વલસાડ ગ્રામ્ય પોલીસે મધ્યપ્રદેશના ઇન્દોરના બે યુવાનોની ધરપકડ કરી છે. આ યુવાનો પાસે ઘાતક હથિયારો મળી આવ્યા છે. જોકે આ ઘાતક હથિયારો માત્ર વટ પાડવા માટે ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે.
વલસાડ ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે પરની એક હોટલમાં બે યુવાનો પાસે ઘાતક પિસ્તોલ જેવા હથિયાર જોવા મળી રહ્યા છે. વલસાડ ગ્રામ્ય પોલીસને મળેલી આ બાતમીના આધારે તાત્કાલિક વલસાડ ગ્રામ્ય પોલીસનો કાફલો આ હોટલ પર પહોંચી ગયો હતો. પોલીસે બંને ઈસમોની તપાસ કરતા યુવાનો પાસેથી એક પિસ્તોલ અને ચાર જીવંત કારતૂસ અને એક ચપ્પુ મળી આવ્યું હતું. જેથી પોલીસે નિતેશ અંબારામ કટારીયા અને ગૌરીશંકર ડોંગરે નામના આ યુવકોની ધરપકડ કરી હતી.
પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ બંને આરોપી ઇન્દોરથી દમણ ફરવા આવ્યા હતા. દમણમાં મોજશોખ કર્યા બાદ આ બંને આરોપીની એક ગર્લફ્રેન્ડ પણ વલસાડ આવી હતી. આ ગર્લફ્રેન્ડને મળવા આરોપી વલસાડની આ હોટલમાં મળવા આવ્યા હતા. પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે બહાર આવ્યું છે કે, મધ્યપ્રદેશના ઈન્દોરમાં રહેતા આ બંને યુવાનો વટ પાડવા માટે આવા ઘાતક હથિયારો ખરીદ્યા હતા. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, નિતેશ નામના આરોપી પર મધ્યપ્રદેશમાં ગુનો પણ દાખલ થયેલો છે.
વલસાડ ગ્રામ્ય પોલીસે બંને આરોપીઓના કોર્ટ સમક્ષ હાજર કરતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ પણ આપ્યા છે.