મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના નિવાસ સ્થાનની અગાસીમાં તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થયા હતા અને રાજ્યમાં આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં આ હર ઘર તિરંગા અંતર્ગત અંદાજે ૪૦ થી ૫૦ લાખ તિરંગાનું વિતરણ થવાનું છે.
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે.આ વર્ષે હર ઘર તિરંગા અંતર્ગત ત્રિરંગા રેલી, ત્રિરંગા યાત્રા, તિરંગા રન, તિરંગા કોન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી તેમજ તિરંગા મેલા જેવા બહુવિધ કાર્યક્રમો રાજ્યમાં યોજાવાના છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 11 ઓગસ્ટથી દેશભરમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવશે, 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે આ યાત્રાનું ગુજરાતમાં પણ આયોજન કરાશે, જેને લઇને સરકાર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.
10 ઓગસ્ટે રાજકોટમાં તિરંગા યાત્રા યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા હાજર રહેશે. આ પછી 11 ઓગસ્ટે સુરતમાં તિરંગા યાત્રા નીકળશે જેમાં મુખ્યમંત્રી અને કેંદ્રીય મંત્રી સી.આર. પાટીલની હાજરી રહેશે. 12મી ઓગસ્ટે વડોદરામાં અને 13મી ઓગસ્ટે અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાની રેલી નીકળશે.