આરોગ્ય સુવિધામાં ગુજરાત સતત બીજી વાર પ્રથમ ક્રમે
ગાંધીનગર
દેશમાં ફરી એકવાર જાહેર સેવા ક્ષેત્રે ગુજરાતનો ડંકો વાગ્યો છે. નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગૉલ ઈન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત બીજીવાર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. રાજ્યને આ સિદ્ધિ માતા અને બાળ મૃત્યુદરમાં મોટો ઘટાડો, સંસ્થાકીય પ્રસુતિ તેમ જ બાળકોનાં સંપૂર્ણ રસીકરણમાં મોટો વધારો કરવાનાં કારણે હાંસલ થયો છે. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરવી માહિતી આપી છે.
દેશભરમાં વિવિધ માપદંડો પર નીતિ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઇન્ડેક્સમાં ગુજરાત રાજ્યને સતત બીજીવાર પ્રથમ ક્રમ મળ્યો છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી માહિતી આપી હતી કે, ‘ગુજરાત માટે ઘણાં આનંદ અને ગૌરવની વાત છે કે નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઈન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત બીજીવાર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.’ તેમણે લખ્યું કે, ‘રાજ્યને આ સિદ્ધિ માતા અને બાળ મૃત્યુદરમાં મોટો ઘટાડો, સંસ્થાકીય પ્રસુતિ તેમજ બાળકોનાં સંપૂર્ણ રસીકરણમાં મોટો વધારો કરવાનાં કારણે હાંસલ થઇ છે.’
CM ભૂપેન્દ્ર પટેલે આગળ લખ્યું કે, ‘આ ઉપરાંત, ચેપી રોગો જેવા કે ટીબી નિયંત્રણમાં ઉત્કૃષ્ટ કામગીરી તેમજ HIV- AIDS નાં પ્રસરણમાં મોટા પાયે થયેલા ઘટાડા તથા મેડિકલ અને પેરામેડિકલ માનવબળમાં થયેલા વધારાનાં કારણે પણ રાજ્યને આ સિદ્ધિ મેળવવામાં સફળતા મળી છે.’ સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીનો ઉલ્લેખ કરતા લખ્યું કે,’માનનીય વડાપ્રધાનનાં માર્ગદર્શનમાં રાજ્યનાં નાગરિકો માટે વિશ્વનાં વિકસિત દેશો જેવી સ્વાસ્થ્ય સુવિધાઓ ઊભી કરવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે.’
