યુનિવર્સિટી પોલીસનો કોન્સ્ટેબલ અને વકીલ 25 હજારની લાંચ લેતા પકડાયા
અરજીમાં હેરાન ન કરવાના બદલામાં લાંચની માંગણી કરતાં જામનગર ACBએ દબોચ્યા : પીએસઆઈની પણ પૂછતાછ કરાઇ
વકીલ ભાવિન રૂઘાણી લાંચની રકમ લઇને પંચાયત ચોકીમાં આવ્યોને ACBએ બંનેની ધરપકડ કરી
વોઇસ ઓફ ડે રાજકોટ
લોકોની મુશ્કેલીનું નિરાકરણ માટે સરકારી અધિકારીઓની સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવતી હોય છે. તેમ છતાં અવાર-નવાર અધિકારીઓ દ્વારા પોતાના ખિસ્સા ભરવા લોકોને ડરાવી ધમકાવી તેમના કામ પૂરા કરવા લાંચ માંગતા હોવાના અનેક બનાવો સામે આવતા હોય છે. અને આવા અધિકારીઓ પર એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે રાજકોટમાં જામનગરની એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હસ્તકની પંચાયતનગર પોલીસ ચોકીના કોન્સ્ટેબલ અને વકીલને 25 હજારની લાંચ લેતા રંગે હાથ પકડ્યા હતા. અને ચોકીમાં પીએસઆઇ હાજર મળી આવતા એમની પણ પૂછતાછ કરવામાં આવી હતી.પરંતુ તેમની કોઈ સંડોવણી નીકળી ન હતી.
માહિતી મુજબ રાજકોટ શહેરમાં રહેતા એક વ્યક્તિ વિરૂધ્ધની અરજી થઇ હોઇ તેની તપાસ સાધુ વાસવાણી રોડ પર આવેલી પંચાયત પોલીસ ચોકી તરફ ગઇ હતી. અહિં ચોકીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિપુલ ઓળકીયા હસ્તક આ અરજી આવતા તેણે વકિલ ભાવીન રૂઘાણીની મદદ લઇ જેના વિરૂધ્ધ અરજી હતી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરી તે વ્યક્તિને હેરાન પરેશાન નહિ કરવાના બદલામાં ૨૫ હજારની લાંચની માંગણી કરી હતી.પરંતુ અરજદાર લાંચ આપવા માંગતા ન હોઇ જેથી તેમણે એસીબીના ટોલ ફી નંબર-૧૦૬૪ ઉપર ફોન કરી પોતાની ફરિયાદ નોંધાવતા એસીબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે, એચ ગોહિલની સુચનાથી જામનગર એસીબીના પીઆઇ આર.એન.વિરાણી અને ટીમે રાજકોટ આવી પંચાયત પોલીસ ચોકી ખાતે ટ્રેપ ગોઠવી હતી.
જેના વિરૂધ્ધ અરજી હતી તેની પાસેથી કોન્સ્ટેબલ વિપુલ સાદુળભાઈ ઓળકીયા (અનાર્મ કોન્સ.) અને ખાનગી વકીલ ભાવિન મગનભાઈ રૂઘાણીએ ૨૫ હજારની લાંચ માંગી હતી. રકમ લઇને ભાવિન પંચાયત ચોંકીએ આવ્યો હતો. ત્યારે એસીબીની ટીમે બંનેને લાંચ સ્વીકારતા રંગે હાથ પકડી લીધા હતા. જ્યારે એસીબી ત્રાટકી ત્યારે પીએસઆઇ બોદર પણ હાજર મળી આવતા તેમની પણ રાજકોટ એસીબી કચેરી ખાતે પુછતાછ કરવામાં આવી હતી. જો કે તેમની હાલ સંડોવણી સામે આવી ન હતી. જેથી કોન્સ્ટેબલ અને વકીલ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.તો બીજી બાજુ ખુદ પોલીસમેન અને વકિલ લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી મચી જવા પામી છે.
નાણાની ઉઘરાણી કરવા મુદે અરજી થતાં વકીલ મામલો પતાવવા વચ્ચે પડ્યોને ગોઠવણ કરી દીધી
જ્યારે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સામા કાંઠા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ પર રૂ.10 લાખની ઉઘરાણી કરવા મુદે તેના વિરુદ્ધ અરજી થઈ હતી જેની તપાસ પંચાયતનગર પોલીસ ચોકીમાં સોંપવામાં આવી હતી. આ અરજીની તપાસ કોન્સ્ટેબલ વિપુલ ઓળકિયા કરી રહ્યો હતો. જેની સામે અરજી થઇ હતી તેનો સંપર્ક કરીને તેને ફોન પર ખખડાવ્યો હતો. અને કાર્યવાહી કરવાની વાત કરી હતી. આ અરજી બાબતનો વચ્ચેનો રસ્તો કાઢવા વકીલ ભાવિન રૂઘાણીએ ઝંપલાવ્યુ હતું. અને પોલીસમેનનો સંપર્ક કરી રૂ.25 હજારમાં ગોઠવણ કરવાની વાત હતી. પરંતુ જેની સામે અરજી થઇ હતી તે વ્યક્તિ લાંચ આપવા ઇચ્છતો ન હતો.આ કારણે તેણે એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી.અને એસીબીએ બંનેને લાંચ લેતા રંગે હાથ પકડી લીધા હતા.