શાળાઓમાં કોમ્પ્યુટર લેબ સહિતના કામો માટે ૧૮૧ લાખની ફાળવણી
આયોજન, મિનરલ ફાઉન્ડેશન તથા વિકસિત ભારત-૨૦૪૭ના રાજકોટ જિલ્લાના વિઝન અંગેની બેઠક યોજાઈ
રાજકોટ જિલ્લા આયોજન વિભાગ હેઠળ આયોજિત થયેલા વિવિધ તાલુકાઓના વિકાસના કામો, જિલ્લા મિનરલ ફાઉન્ડેશન હેઠળના કામો તથા વિકસિત ભારત-૨૦૪૭ના વિઝનના આયોજન અંગેની બેઠક કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ, આંગણવાડી સહિતના કામો માટે ૧૮૧ લાખની ફાળવણી કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી નીતિન ટોપરાણીએ પ્રેઝન્ટેશન મારફતે આગામી વર્ષના વિકાસ કાર્યો બાબતે ચર્ચા કરી હતી. જેમાં વિવિધ શાળાઓમાં કમ્પ્યુટર લેબ બનાવવાના કામો, આરોગ્યના વિવિધ કામો, કૌશલ્ય વિકાસ તથા રોજગારલક્ષી તાલીમ, આંગણવાડીમાં વિવિધ કામો ઉપરાંત સિંચાઈના કામો સહિત અંદાજિત ૧૮૧ લાખના કામોને જિલ્લા મિનરલ ફાઉન્ડેશન હેઠળ ક્લેક્ટરશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. સાથે જ વિકસિત ભારત ૨૦૪૭ બાબતે વિવિધ વિભાગો દ્વારા આયોજન વિભાગને વિઝન ડોક્યુમેન્ટ જમા કરાવવા જણાવવામાં આવ્યું હતું. જેમાં “લિવિંગ વેલ” તથા “અર્નિંગ વેલ” સૂત્ર હેઠળ વિગતવાર આયોજન કરી વિઝન – ૨૦૪૭ની કામગીરી માટે આયોજન વિભાગ સાથે સંકલન કરી કામગીરી કરવા તમામ વિભાગોને સૂચિત કરાયા હતા.