રોગચાળો વકર્યો : દર્દીઓથી ઉભરાતી સિવિલ
શરદી, ઉધરસ, તાવ અને ઝાડના અસંખ્ય કેસ : દૈનિક 3000થી વધુની ઓપીડી
રાજકોટ : સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, મેડિકલ હબ રાજકોટમાં શેરીએ ગલીએ દવાખાનાઓની ભરમાર વચ્ચે પણ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દૈનિક 3000થી વધુ દર્દીઓની ઓપીડીમાં આવી રહ્યા છે અને છેલ્લા એક મહિનામાં જ તાવ, શરદી, ઉધરસ અને ઝાડાના દર્દીઓમાં ચિંતાજનક વધારો થયો હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ જૂનમાસના અંતિમભાગથી શરૂ કરી જુલાઈ માસના અંત સુધીના સમય ગાળામાં સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દૈનિક 3000થી વધુ દર્દીઓ આવી રહ્યા છે. 24થી 30 જૂન સુધીના છ દિવસમાં 20499ની દર્દીઓ ઓપીડીમાં આવ્યા હતા જેમાંથી તાવના 106 કેસ હતા. એ જ રીતે તા.14 જુલાઈથી 20 જુલાઈ સુધીમાં સિવિલમાં 19745 દર્દીઓની ઓપીડી સામે તાવના દર્દીઓમાં ડબલ કરતા વધુ ઉછાળા સાથે 323 કેસ સામે આવ્યા હતા.
સતત ધાબડ જેવા માહોલમાં હાલમાં ઘેર-ઘેર માંદગીના ખાટલા છે ત્યારે ખાસ કરીને તાવ અને શરદી-ઉધરસના દર્દીઓનું પ્રમાણ વધ્યું છે ત્યારે તા.21થી 27 જુલાઈ દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 22.220 દર્દીઓની ઓપીડી સામે તાવના 316 કેસ સામે આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલના સત્વર આંકડા જણાવી રહ્યા છે.