વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટ પોલીસે વ્યાજખોર સામે કાર્યવાહી કરવા માટે લોક દરબાર કર્યા બાદ અનેક સામે ગુના નોંધવામાં આવ્યા હતા.અને ત્યાર બાદ પણ હજુ ઘણા વ્યાજખોરો બેફામ બન્યાં છે. જેમાં રેલનગરમાં દૂધની ડેરી ધરાવતા વેપારીએ ત્રણ વ્યાજખોર પાસે 6.70 લાખ વ્યાજે લીધા હતા.અને તેની સામે 27 લાખ વસૂલી લીધા બાદ પણ વધું રૂ.12 લાખ પડાવવા વ્યાજખોર ટોળકીએ કિડની વેંચી નાખવાની ધમકી આપતા પ્ર.નગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
બનાવ અંગેની વિગતો મુજબ રેલનગરમાં શ્યામજી કૃષ્ણવર્મા ટાઉનશીપમાં રહેતાં નિલેશભાઈ શાંતીલાલ હિંડોચા (ઉ.વ.48) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મોહસીન ઉર્ફે એઝાઝ ઉર્ફે બાબર રજાક બ્લોચ (રહે. રામનાથપરા શેરી નં.14), શિવરાજસિંહ (રહે. પુનિતના ટાંકા પાસે, મવડી) અને શાહરૂખ અને સાહિલનું નામ આપતાં જણાવ્યું હતું કે, તેઓને રેલનગર દ્વારીકા ચોક પાસે આવેલ વી ફોર નામની દુધની ડેરી આવેલ છે. જેમાં તેઓ મિત્ર ભાર્ગવભાઇ ભરતભાઈ ભદ્રાવાળા સાથે મળી ભાગીદારીમાં વર્ષ-2021 માં દૂધની ડેરીનો વેપાર શરૂ કર્યો હતો.બાદમાં વર્ષ 2021માં વેપાર ધંધા અર્થે પૈસાની જરુરીયાત પડતાં તેમને આરોપીઓ પાસેથી 3.40 લાખ વ્યાજે પૈસા લીધા હતા.અને 2024 સુધીમાં તેમને 27 લાખ જેટલા કટકે કટકે વ્યાજે ચૂકવી દીધા હતા.અને તેમના નામે આરોપીઓએ કાર પણ લોન પર લેવડાવી તેના હપ્તા ભર્યા ન હતા.ઉપરાંત વધુ વ્યાજ ઉઘરાવવા માટે તેઓ વેપારીને તેમના ઘરે અને ડેરી જઈને કિડની વેચી નાખવાની અને મારી નાખવાની ધમકીઓ આપતા હતા. જેથી અંતે કંટાળી વેપારીએ પ્ર.નગર પોલીસમાં ફરિયાદ કરતાં પીએસઆઈ જે.જી.તેરૈયાએ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ આદરી છે.