ગાઝાની વેદના અંગે હું ચૂપ નહી બેઠી રહું : કમલા હેરિસ
કમલા હેરિસનો નેતન્યાહુને કડક સંદેશો.
સત્વરે શાંતિ સમજૂતી કરી લેવા અનુરોધ
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ગુરુવારે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથેની બેઠક દરમિયાન ગાઝામાં થયેલી જાનહાનિ અંગે “ગંભીર ચિંતા” વ્યક્ત કરી વહેલી તકે શાંતિ સમજૂતી કરવા અનુરોધ કર્યો હતો.નેતન્યાહુને કડક સંદેશો આપતાં તેમણે જણાવ્યું હતું કે નિર્દોષ લોકોની જાનહાનિ અંગે હું ચુપ નહીં બેઠી રહું.
બેન્જામિન નેતન્યાહુએ ગુરૂવારે વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત કરી ગાઝા સંઘર્ષના તણાવ વચ્ચે યુએસ-ઇઝરાયેલ સંબંધો અંગે ચર્ચા કરી હતી.તે પછી તેમની અને વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરીસ વચ્ચે બેઠક યોજાઈ હતી. એ બેઠકમાં થયેલી ચર્ચા બાબતે કમલા હેરીસે પત્રકારોને જાણકારી આપી હતી અને એ રીતે સમગ્ર વિશ્વ સમક્ષ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું.
તેમણે નેતન્યાહુ ને કહ્યું હતું,” ગાઝામાં છેલ્લા નવ મહિનામાં જે બન્યું છે તે અત્યંત વિનાશક છે.મૃત બાળકોની તસવીરો વિચલિત કરી દે છે.હજારો ભૂખ્યા લોકો એક કરતા વધારે વખત વિસ્થાપિત થઈ ને જિંદગી બચાવવા રઝળપાટ કરી રહ્યા છે. તેમની આ વેદના પ્રત્યે અમે આંખ મિચામણા ન કરી શકીએ.અને હું એ અંગે ચુપ નહીં રહું”.હેરિસે ઇઝરાયેલને ગાઝામાં વધુ માનવતાવાદી સહાયને પ્રવેશવાની મંજૂરી આપવા હાકલ કરી અને ગાઝામાં વધુ નાગરિક જાનહાનિ ટાળવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. છે.
અત્રે એ પણ યાદ કરવું જરૂરી છે કે પ્રેસિડેન્ટ જો બાઇડેન પણ આ અગાઉ નેતન્યાહુને ગાઝામાં વધુ જાન હાની રોકવા માટે અનુરોધ કરી ચૂક્યા છે પરંતુ તેનું કાંઈ પરિણામ આવ્યું નથી. પણ હવે કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર તરીકે મહદ અંશે પસંદ થઈ ગયા છે ત્યારે તેમનું આ વલણ અને તેમણે સ્પષ્ટ ભાષામાં આપેલો સંદેશાને અમેરિકાના ઇઝરાયેલ સાથેના ભાવી સંબંધો અને ઇઝરાયેલ હમાસ યુદ્ધ અંગે અમેરિકી નીતિના દિશા નિર્દેશ સમાન માનવામાં આવે છે.