ઑલિમ્પિકમાં ગજબ વિવાદ: મેચ પૂરી થયાની બે કલાક બાદ હાર્યું આર્જેન્ટીના !
આજે ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ હોબાળો: આર્જેન્ટીના ટીમ પર ફટાકડાથી હુમલો: ખેલાડીઓ ભાગ્યા
પેરિસ ઑલિમ્પિકનો આજથી સત્તાવાર પ્રારંભ થવાનો છે તે પહેલાં ક્વોલિફાઈંગ સહિતના રાઉન્ડ શરૂ થઈ ચૂક્યા છે. દરમિયાન ફૂટબોલ મેચની ભારે વિવાદો સાથે શરૂઆત થઈ છે. આર્જેન્ટીના અને મોરક્કો વચ્ચેની જે ફૂટબોલ મેચને ૨-૨થી ડ્રો જાહેર કરાઈ હતી તેનું પરિણામ મોરક્કોના સમર્થકોના હોબાળાને કારણે બે કલાક બાદ બદલી ગયું હતું. આર્જેન્ટીના દ્વારા સ્ટોપેજ સમયની ૧૬મી મિનિટમાં કરાયેલા ગોલ બાદ સેન્ટ એટિને સ્ટેડિયમમાં મોરક્કોના સમર્થકો ઘૂસી આવ્યા હતા. તેમના હંગામા બાદ આયોજકોએ કહ્યું કે મેચ હજુ પૂરી થઈ નથી. વીડિયો આસિસ્ટન્ટ રેફરી દ્વારા દર્શકોના હંગામા બાદ ગોલની સમીક્ષા કરવામાં આવી જેને ફગાવીને સ્કોર પાછો ૨-૧થી મોરક્કોના પક્ષમાં કરી દેવાયો હતો. બાદમાં મેચ ખાલી સ્ટેડિયમમાં ત્રણ મિનિટ ૧૫ સેક્નડ માટે રમાઈ હતી જેને મોરક્કોએ ૨-૧થી જીતી હતી.
૨૦૦૮ના બીતિંગ ઓલિમ્પિક વિજેતા અને હાલનું વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટીના પહેલી જ મેચમાં મોરક્કો સામે ઉલટફેરનું શિકાર થયું હતું. મોરક્કો માટે રહીમી સુફિયાને ૪૫મી અને ૪૯મી મિનિટે ગોલ કરીને ટીમને ૨-૦થી આગળ કરી દીધી હતી. સાઈમન જ્યૂલિઆનોએ ૬૮મી મિનિટમાં ગોલ કરી સ્કોર ૧-૨ કર્યો હતો. મોરક્કો જીત તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે અંતિમ ક્ષણોમાં મેદિના ક્રિસ્ટિયને ગોલ કરી સ્કોર ૨-૨થી બરાબર કર્યો હતો. અહીંથી જ હંગામો શરૂ થયો હતો.
ત્યારબાદ મોરક્કોના સમર્થકોએ આર્જેન્ટીના ટીમના ખેલાડીઓ ઉપર ફટાકડા ફેંકીને હુમલો કરતાં ખેલાડીઓ ભાગ્યા હતા.
