રાજકોટથી દુબઈની ફ્લાઈટ શરૂ થઇ શકે :CAG ગીરીશ મુર્મુ
રાજકોટ ઝડપથી વિકસતુ જતુ શહેર છે અને નવી નવી સુવિધા આવી રહી છે
આજે રાજકોટની મુલાકાતે આવેલા દેશના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ગિરીશચન્દ્ર મુર્મુએ રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી દુબઈ માટેની ફ્લાઈટ શરુ થઇ શકે છે તેવો મત વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું હતું કે, રાજકોટ એક ઝડપથી વિકસતુ જતુ શહેર છે અને નવી નવી સુવિધાઓ આવી રહી છે. રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ બન્યું છે અને મને લાગે છે કે, અહીંથી દુબઈ માટેની ફ્લાઈટ શરુ થશે.
તાજેતરમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે પણ રાજકોટથી દુબઈ અને સિંગાપુરની ફ્લાઈટ શરુ થવી જોઈએ તેવી માંગણી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટના એરપોર્ટ પરથી ઓક્ટોબર માસમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરુ થશે તેવી જાહેરાત એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોહરાએ થોડા દિવસ પહેલા જ કરી હતી. હાલમાં નવા ટર્મિનલનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે અને ઓગસ્ટ સુધીમાં તે પૂરું થવાની ધારણા છે.