ઉત્તરપ્રદેશ ભાજપમાં કાંઇક રંધાઈ રહ્યું છે : સરકાર-સંગઠન ચર્ચામાં
ભાજપના પ્રદેશ પ્રમુખે વડાપ્રધાન સાથે મુલાકાત કરીને પરાજયની જવાબદારી સ્વીકારી
મુખ્યમંત્રી યોગી રાજ્યપાલ આનંદીબેનને મળ્યા
લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમા ભાજપને ધારણા મુજબનું પરિણામ મળ્યું નથી તેથી હવે તેમા ફેરફારની ચર્ચા થઇ રહી છે. રાજ્યમાં કાંઇક રંધાઈ રહ્યું છે. આજે પ્રદેશ પ્રમુખ દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળ્યા હતા અને પરાજયની જવાબદારી સ્વીકારી હતી તો બીજી તરફ મુખ્યમંત્રી યોગી રાજ્યપાલ આનંદીબેન પટેલને મળ્યા હતા અને ચર્ચાસ કરી હતી. આજે આખો દિવસ બેઠકોનો દૌર ચાલ્યો હતો અને જાત જાતની અટકળો વહેતી થઇ હતી. ઉત્તરપ્રદેશમાં સરકાર અને સંગઠનમાં ટકરાવ છે એ વાત નિશ્ચિત છે અને બંનેમાં ફેરફાર આવી શકે છે.
ભારતીય જનતા પાર્ટીના યુપી પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં હાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન ભૂપેન્દ્ર ચૌધરીએ પીએમ મોદીને લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત સંગઠન મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે યુપીમાં બીજેપી અધ્યક્ષ બદલાઈ શકે છે.
એક દિવસ પહેલા કેન્દ્રીય નેતૃત્વએ યુપીના ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય અને યુપી બીજેપી અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી સાથે મુલાકાત કરી હતી અને પ્રતિક્રિયા લીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર યુપી ભાજપના નવા અધ્યક્ષ પછાત સમુદાયમાંથી હશે. કેશવ પ્રસાદ મૌર્યને યુપી ભાજપના નવા અધ્યક્ષ બનાવવાની ચર્ચા ચાલી રહી છે.
બીજી તરફ, એવા સમાચાર છે કે લોકસભાના પરિણામોની સમીક્ષા કરવા માટે આ મહિનાના અંત સુધીમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની એક મોટી બેઠક યોજાશે. સૂત્રોનું કહેવું છે કે આ બેઠકમાં પીએમ મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજરી આપશે. બેઠકમાં લોકસભા ચૂંટણી 2024માં અપેક્ષા મુજબ બીજેપીના નોન-પરફોર્મન્સ અંગે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત સરકારી સંસ્થાઓમાં સંકલન અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં પાર્ટીના અન્ય ઘણા મોટા નેતાઓ પણ હાજરી આપી શકે છે.
