સાઉથ ઇન્ડિયન ફૂડ લવર્સ ચેતજો !! રાજકોટના જ્યુબિલી પાસે રાજુ ઈડલીવાળાને ત્યાંથી ગંદકી-વાસી વાનગીનો મળ્યો ભંડાર
મેંદૂવડા, દાળવડાનો વાસી લોટ અને ચટણીનો નાશ: સંભારના નમૂના લેવાયા: નાનામવા મેઈન રોડ પર બિનાકા ડાઈનિંગ હોલમાં પણ દરોડો
રાજકોટ મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા ઢેબર રોડ વન-વે, ગાંધી મ્યુઝિયમ પાછળ વર્ષોથી ઉભા રહેતા રાજુ ઈડલીવાળાને ત્યાં દરોડો પાડી વાસી વાનગી તેમજ ગંદકીનો ભંડાર પકડી પાડ્યો હતો. આ રેંકડી પર છેલ્લા ઘણા સમયથી વાસી વાનગી પીરસવામાં આવતી હોવાની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ફૂડ શાખાએ અહીંથી ૧૫ કિલો મેંદુવડા અને દાળવડાનો વાસી લોટ તેમજ ૪ કિલો વાસી ચટણી પકડી લઈ સ્થળ પર જ તેનો નાશ કર્યો હતો. એકંદરે અહીં તાજું ઓછું અને વાસી વધુ પીરસી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હતા.
આ ઉપરાંત રાજુ ઈડલીવાળાને ત્યાંથી સંભારના બે નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે નાનામવા મેઈન રોડ પર રાજનગર ચોક પાસે આવેલા બિનાકા ડાઈનિંગ હોલમાં દરોડો પાડી ડુંગળી-ગાંઠીયાનું શાક અને ચોળીની સબ્જીના નમૂના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
આ જ રીતે ટીમે સંતકબી રોડ તેમજ કોઠારિયા ગામમાં ૩૯ ધંધાર્થીઓને ત્યાં કરેલા ચેકિંગમાં ૨૮ પાસે ફૂડ લાયસન્સ ન હોવાનું ધ્યાન પર આવતાં નોટિસ ફટકારાઈ હતી.