કોંગી ધારાસભ્ય ભાજપ સરકારમાં કેબિનેટ ઉપરાંત રાજ્ય કક્ષાના મંત્રી!
મધ્યપ્રદેશમાં ન ભૂતો ન ભવિષ્યતિ સમાન ઘટના
15 મિનિટના ગાળામાં બે વખત શપથવિધિ!
ભારતના ઇતિહાસમાં કદી ન બની હોય તેવી ઘટના મધ્યપ્રદેશમાં બની છે. કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય મધ્યપ્રદેશની ભાજપ સરકારમાં મંત્રી બન્યા છે. એટલું જ નહીં તેઓ એક સાથે કેબિનેટના મંત્રી પણ છે અને રાજ્યકક્ષાના મંત્રી પણ છે. એ ઉપરાંત કોઈ ધારાસભ્યની બે વખત પ્રધાનપદે શપથવિધિ થઈ હોય તેવી પણ આ પ્રથમ ઘટના છે.
બન્યું છે એવું કે મધ્યપ્રદેશની વિજયપુર ની બેઠક ઉપરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય અને મધ્યપ્રદેશ કોંગ્રેસના પૂર્વ વર્કિંગ પ્રેસિડેન્ટ રામનિવાસ રાવત ભાજપમાં જોડાઈ ગયા હતા. સોમવારે મધ્યપ્રદેશના રાજભવનમાં સવારે 9:30 કલાકે ગવર્નર મંગુભાઈ પટેલે તેમને રાજ્ય કક્ષાના જુનિયર પ્રધાન તરીકે શપથ લેવડાવ્યા હતા.
એ પછી એક આશ્ચર્ય જનક ઘટના તરીકે 15 મિનિટ બાદ તેમને કેબિનેટ મંત્રી તરીકે શપથવિધિ યોજાઈ હતી. હવે આ આખા ઘટનાક્રમમાં એક કરતા વધારે આશ્ચર્ય સમાયેલા છે. એક તો એક એ રામનિવાસ રાવતે હજુ સુધી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી. એનો અર્થ એમ કે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપની સરકારમાં મંત્રી બન્યા છે. બીજું એ કે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ તેમણે એ પદેથી રાજીનામું પણ નથી આપ્યું. એટલે ટેકનિકલી તેઓ અત્યારે રાજ્યકક્ષાના મંત્રી પણ છે અને કેબિનેટના મંત્રી પણ છે.
રાજ્યના વહીવટી તંત્રએ કરેલા ભગાને કારણે આ સ્થિતિ સર્જાઇ છે. રામનિવાસ રાવત હવે રાજ્યકક્ષાના મંત્રી તરીકે રાજીનામું તો આપશે પણ થોડીક કલાકો માટે તેઓ રાજ્યકક્ષા સાથે જ કેબિનેટના પણ મંત્રી હતા એ ઇતિહાસના ચોપડે નોંધાઈ ચૂક્યું છે.