મિઝોરમમાં મુખ્યમંત્રીનો બાંગ્લાદેશના શરણાર્થીઓને પરત ધકેલવાનો ઇનકાર
વડાપ્રધાનને કહ્યું,’ અમારી પરિસ્થિતિ સમજો ‘
બે વર્ષથી 2000 શરણાર્થીઓ આશરો લઈ રહ્યા છે
મિઝોરમના મુખ્ય મંત્રી લાલદુહોમાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતમાં બાંગ્લાદેશી શરણાર્થીઓને પરત ન મોકલી શકાય તેવી રજૂઆત કરી હતી.એ બાબતે મિઝોરમના દ્રષ્ટિકોણને અને પરિસ્થિતિને સમજવા માટે તેમણે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી.નોંધનીય છે કે આ અગાઉ રાજ્યના ગૃહ મંત્રાલયે 2022 થી મિઝોરમમાં 2000 બાંગ્લાદેશી શરણાર્થી વસતા હોવાની સતાવાર જાહેરાત કરી હતી.
વડાપ્રધાન સાથેની મુલાકાતમાં મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકાર બાંગ્લાદેશના ચિત્તાગોંગ હિલ ટ્રેકટ્સ માંથી આવેલા ઝો વંશીય લોકોને જાકારો ન આપી શકે.
તેમણે વિગતો આપતા કહ્યું કે ઝો વંશની બાવુમ આદિજાતિ ના લોકો 2022 થી મિઝોરમ માં આશરો લઈ રહ્યા છે અને હજુ બીજા પણ વધુ લોકો મિઝોરમમાં આવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં અલગ રાજ્યની માંગણી સાથે લડતાં કુકી – ચીન નેશનલ આર્મી ઉપર બાંગ્લાદેશની સેનાએ આક્રમક પગલાં શરૂ કર્યા તે પછી એ જૂથના લડકુઓ જીવ બચાવવા મિઝોરમમાં આશરો લઈ રહ્યા છે.
દરમિયાનમાં આ શરણાર્થીઓને બાંગ્લા દેશ પરત મોકલવાના બીએસએફ ના પગલાનો બાંગ્લાદેશ,મ્યાનમાર અને ભારતના ચીન – કુકી – મીઝો અને ઝોમી આદી જાતીનું પ્રતિનિધિત્વ કરતા એઈઝવાલ સ્થિત સંગઠન ઝો રીયુનીફિકેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.