- ડમ્પરે ટ્રકને ઠોકર મારતા અકસ્માત સર્જાયો અને ડ્રાઈવર-ક્લીનર કાળનો કોળિયો બન્યા : ફાયરની ટીમે ત્રણ કલાકે આગ પર કાબૂ મેળવ્યો
- ઘટનાના પગલે કલાકો સુધી હાઇવે પર ટ્રાફિક જામ રહ્યો : એક ઇજાગ્રસ્તને રાજકોટ સિવિલમાં ખસેડાયો
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે પર ડમ્પર અને ટ્રક વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો. જે બાદ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે ટ્રક ડ્રાઇવર અને ક્લીનર બળીને ખાખ થઈ જતાં બંનેના મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ cદાઝી જતાં તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે ઘટનાને પગલે હાઇવે પર કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો.

વિગતો મુજબ લીંબડી-અમદાવાદ હાઇવે પર ભલગામડા સર્કલ પાસે ડમ્પર ચાલકે પાછળથી ટ્રકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અને થોડી જ વારમાં ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. જેથી હાઇવે પર લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં લીંબડી પોલીસ ટીમ તેમજ પાલિકાની ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં ક્લીનર આમીનભાઈ આદમભાઇ આકડા (18 વર્ષ ) અને ટ્રક ડ્રાઈવર આદમભાઇ મહંમદભાઈ આકડા (45 વર્ષ ) જીવતા ભૂંજાયા હતા. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે સુરેન્દ્રનગર બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અને અકસ્માત પગલે માર્ગ પર કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.હાલ બનાવથી લીંબડી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.