સંસદ સત્રના પ્રથમ દિવસે શું થયું ? વડાપ્રધાને કોંગ્રેસ પર કેવો પ્રહાર કર્યો ? જુઓ
મોદી -3 સરકારમાં 18મી લોકસભાનું પ્રથમ સત્ર સોમવારથી શરૂ થઈ ગયું હતું. સત્રના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં પદના શપથ લીધા હતા. આ પછી મોદીએ ગૃહમાં બેઠેલા તમામ સાંસદોનું હાથ જોડીને અભિવાદન કર્યું. આ દરમિયાન રાહુલ ગાંધી પણ બંધારણની કૉપી લઈને ગૃહમાં બેઠા હતા. તેણે હસીને અને હાથ જોડીને મોદીના અભિવાદનનો જવાબ આપ્યો. જો કે સત્રના પ્રથમ જ દિવસે શાસક અને વિપક્ષ વચ્ચે તણખા ઝર્યા હતા. વડાપ્રધાન મોદીએ કટોકટીની ઘટનાને હથિયાર બનાવી હતી અને વિપક્ષે બંધારણને શસ્ત્ર બનાવ્યું હતું. આજે પણ સભ્યોની શપથવિધિ યથાવત રહેશે
સત્ર શરૂ થતાં પહેલા વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહાર કરીને કહ્યું હતું કે 25 જૂન 1975 નો દિવસ ક્યારેય ભૂલી શકાશે નહીં. આ દિવસે કટોકટી લાદવામાં આવી હતી અને દેશ કેદખાનામાં ફેરવાઇ ગયો હતો. વિપક્ષના નેતાઓને જેલમાં પૂરી દેવાયા હતા. લોકતંત્ર પર કાળો ડાઘ લાગી ગયો હતો.
એમણે એમ પણ કહ્યું હતું કે અમે સંસદમાં બધાને સાથે લઈને ચાલવા માંગીએ છીએ. વિપક્ષ લોકતંત્રની અને હાઉસની ગરિમા જાળવશે તેવી આશા છે. નારાબાજી અને ડ્રામા કરવાથી લોકસેવા નહીં થાય. જનતા વિપક્ષ પાસે સારા વલણની અપેક્ષા રાખે છે.
સત્રના પ્રારંભે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભર્તુહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકેના શપથ લેવડાવ્યા હતા. આ પછી પ્રોટેમ સ્પીકરે તમામ સાંસદોને શપથ લેવડાવ્યા હતા. સૌથી પહેલા મોદીએ સંસદમાં પદના શપથ લીધા. આ પછી કેન્દ્રીય મંત્રીઓએ શપથ લીધા હતા. સત્રના પહેલા દિવસે લગભગ 280 સાંસદોએ શપથ લીધા હતા.
ઇન્ડિયાનું વિરોધ પ્રદર્શન
18મી લોકસભાનું પ્રથમ સત્ર તોફાની બની શકે છે. તેવા અણસાર મળી ગયા હતા. પ્રૉટેમ સ્પીકર અને નીટ પેપર લીકને લઈને વિપક્ષ સરકાર પર પ્રહારો કરી રહ્યું છે. આ બધાની વચ્ચે સત્રના પહેલા દિવસે વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’ના સાંસદોએ બંધારણની નકલ લઈને સંસદની બહાર કૂચ કરી હતી. આ દરમિયાન સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગે પણ હાજર હતા. આ પછી વિપક્ષના તમામ સાંસદો બંધારણની નકલ લઈને ગૃહમાં પહોંચ્યા હતા.
રાહુલનો હુમલો
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એમ કહ્યું હતું કે વડાપ્રધાન બંધારણ પર હુમલો કરી રહ્યા છે અને અમે બંધારણને હાથ લગાવવાની મંજૂરી આપશું નહીં. ખડગેએ વડાપ્રધાનના કટોકટીના ઉલ્લેખ પર કહ્યું હતું કે સિંધરી બળી ગઈ છે પણ વળ જતો નથી.
શિક્ષણ મંત્રી સામે નીટ શેઇમની નારાબાજી
લોકસભામાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જ્યારે શપથ લેવા ઊભા થયા ત્યારે વિપક્ષના સભ્યોએ નીટ શેઇમ.. .. શેઇમની નારાબાજી કરી હતી અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સંસદમાં આ મુદ્દે વિપક્ષ લડી લેવાના મૂડમાં દેખાયો છે.
નડ્ડા રાજ્યસભાના નેતા બન્યા
દરમિયાનમાં ભાજપના સાંસદ જે. પી. નડ્ડાને રાજ્યસભાના નેતા બનાવવામાં આવ્યા હતા. પિયુષ ગોયલના સ્થાને એમણે જવાબદારી સોંપવામાં આવી હતી. હવે તેઓ રાજ્યસભામાં મોરચો સંભાળશે અને વિપક્ષના આક્રમણનો જોરદાર જવાબ આપશે. એમના અનુભવનો લાભ લેવા પાર્ટીએ એમને રાજ્યસભાના નેતા બનાવ્યા છે. એમણે કહ્યું હતું કે મને અપાયેલી જવાબદારી ગંભીરતાથી નિભાવીશ. સાથોસાથ એમ પણ માનવામાં આવે છે કે હવે ગમે ત્યારે ભાજપના નવા પ્રમુખનું નામ જાહેર થઈ શકે છે.