Rajkot : સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી બાળકીઓના થયા મોત
રાજકોટમાં હૈયુ કંપાવતી ઘટના સામે આવી છે. જેમાં રૈયા ગામ પાસેના શિલ્પન ઓનીક્સ રેસિડેન્સીમાં રહી ચોકીદારી કરતાં બે નેપાળી પરિવારની 3 વર્ષની બે બાળકીઓ સાયકલથી રમી રહી હતી. ત્યારે અકસ્માતે સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. બંને પિતરાઇ બહેનોની કલાક સુધી ભાણ ન મળતા પરિવાર તેને શોધવા નીકળ્યો હતો ત્યારે બંનેના મૃતદેહ પાણીમાં તરતા દેખાતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.
માહિતી મુજબ રાજકોટમાં રૈયા ગામ પાસેના શિલ્પન ઓનીક્સ રેસિડેન્સીમાં રવિવાર રાત્રિના એક ગોજારી ઘટના બનવા પામી હતી. જેમાં રેસિડેન્સીમાં રહી ચોકીદારી કરતાં ગોકુલભાઈ રંગબહાદુર ચાંદની ત્રણ વર્ષની પુત્રી પ્રકૃતિ અને ત્યાં જ રહેતાં બીજા ચોકીદાર પ્રકાશભાઈ તેજબહાદુર સિંઘની ત્રણ વર્ષની પુત્રી મેનકા બંને પિતરાઈ બહેનો રાત્રિના સાયકલ ચલાવી રહી હતી. તે સમયે રેસિડેન્સીમાં આવેલા સ્વીમીંગ પુલ પાસે બંને પહોંચી હતી.અને અકસ્માતે બંને બહેનો સ્વીમીંગ પુલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. મોડે સુધી બંને બાળકીઓ ઘરે ન પહોંચતા પરિવારજનો બંનેને શોધવા લાગ્યાં હતાં.
બાદમાં રેસિડેન્સીમાં રહેતાં સ્થાનિક લોકોને સ્વીમીંગ પુલમાં મૃતદેહ તરતાં હોવાનું ધ્યાને આવતાં તાત્કાલિક બાળકીઓના મૃતદેહને બહાર કાઢી 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ની ટીમે બંને બાળકીઓને તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગે જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
તપાસમાં જાણવા મળ્યું હતું કે, બંને બાળકીઓનો પરીવાર મૂળ નેપાળનો વતની છે. મૃતક પ્રકૃતિના પિતા ગોકુલભાઈ પરીવાર સાથે શિલ્પન ઓનેકસા રેસિડેન્સીમાં 17 દિવસથી કામે આવ્યાં હતા જ્યારે મૃતક મેનકાના પિતા પ્રકાશ અને માતા મનીષાબેન સહિતના પરિવારજનો 8 માસથી અહીં નોકરી પર આવેલ છે.
મૃતક પ્રકૃતિ એક બહેન એક ભાઈમાં મોટી અને મેનકા પરિવારની એક ની એક પુત્રી હતી. હાલ બંને પિતરાઇ બહેનોના મોતથી પરિવાર પર આભ ફાટ્યું છે.