ભારત ચીનને કઈ રીતે જવાબ આપશે ? જુઓ
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ત્રીજીવાર રચાઇ ગઈ છે ત્યારે હવે વિદેશી બાબતોમાં પણ આક્રમક વલણ અપનાવવામાં આવશે તેવો સંકેત સરકારે આપી દીધો છે અને ચીનને તેની જ ભાષામાં જવાબ આપવા માટે સરકાર કટિબધ્ધ છે. આ દિશામાં સરકાર ગંભીરતા સાથે આગળ વધવા માંગે છે.
ભારતે તીબેટમાં 30 જેટલા સ્થળોના નામ બદલી નાખવાનો નિર્ણય લઈ લીધો છે તેમ સરકારી સૂત્રોએ મીડિયાને જણાવ્યું હતું. અરુણાચલમાં ચીનની ગતિવિધિનો જવાબ તેની જ ભાષામાં આપવા માટે સરકાર નામ બદલીને તેને પડકાર ફેકશે. ટૂક સમયમાં જ આ બારામાં પગલાં લેવાશે.
સૂત્રોએ એમ કહ્યું છે કે ભારતીય સેના દ્વારા આ નવા નામ જાહેર કરવામાં આવશે. આ માટે એલએસીના માપમાં નવા નામ અપડેટ કરી દેવામાં આવશે. ચીન દ્વારા એપ્રિલ માસમાં અરુણાચલ પ્રદેશમાં 30 સ્થળોના નામ બદલી દેવાયા હતા અને ભારતની ઉશ્કેરણી કરાઇ હતી. એ વખતે ભારતે સખત વિરોધ નોંધાવ્યો હતો.
હવે નવી સરકાર બની ગઈ છે ત્યારે ચીનને તેની જ ભાષામાં જવાબ આપવા માટે સરકાર તૈયારી કરી રહી છે. જે 30 નામ સરકાર બદલવા માંગે છે તેમાં 12 રહેણાંક વિસ્તારો પણ છે. 12 પહાડ છે અને 4 નદીઓ છે. આ માટે સત્તાવાર રીતે નામની યાદી પણ બહાર પાડવામાં આવશે.