દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાપક પ્રમાણમાં ઝડપાયેલા ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થોએ વ્યાપક ચર્ચાઓ જગાવી છે. ત્યારે ફરી એક વાર દ્વારકા પાસેના મોજપ ગામેથી 42 લાખની કિંમતનું ચરસ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. ચરસનો જથ્થો ક્યાંથી આવ્યો તે મુદે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા SOG તેમજ દ્વારકા પોલીસ દ્વારા ૪ દિવસ પહેલા દ્વારકા નજીક દરિયા કાંઠા વિસ્તારમાંથી રૂ.16.૦૩ કરોડની કિંમતનો 32 કિલોથી વધુનો ચરસનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે આજે ફરી એક વખત 42 લાખની કિંમતનો 850 ગ્રામથી વધુનો ચરસનો જથ્થો બિન વારસી હાલતમાં ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
ચાર દિવસમાં દ્વારકા ના દરિયા કિનારે થી કરોડની કિંમતનો ચરસ નો જથ્થો ઝડપાતા સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. દ્વારકાનો દરિયા કિનારો ડ્રગ્સ માફીયાઓ માટે હોટ સ્પોટ બનતા સુરક્ષા એજન્સીઓ માટે પડકાર બની રહ્યો છે ત્યારે દ્વારકાના દરિયા કિનારેથી સતત બિન વારસી હાલતમાં મળી રહેલા ચરસથી સુરક્ષા એજન્સી દોડતી થઈ છે. દ્વારકા જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.