રાજકોટની અગ્નિકાંડની ઘટના જેના પડઘા હજુ સુધી શાંત થયા નથી. 25 MAY 2024 અને શનિવારના રોજ રાજકોટના TRP ગેમઝોનમાં આગ ભભૂકી હતી જેમાં 28થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટનામાં અનેક પરિવારનો માળો વિખેરાય ગયો છે. મૃત્યુ પામનારના પરિજનોને પોતાના વહાલસોયાના છેલ્લા દર્શન પણ થઇ શક્યા નહોતા ત્યારે રાજકોટ TRP અગ્નિકાંડમાં મૃત્યુ પામનારના પિતાનું આઘાત લાગતા મોત નીપજ્યું છે.
રાજકોટ TRP અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા વિશ્વરાજસિંહ જાડેજાના પિતા જશુભાનું મોત નીપજ્યું છે. પુત્રના મોતના સમાચારનો આઘાત લાગતા હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમનું મોત નીપજ્યું હતું. TRP અગ્નિકાંડમાં પુત્ર ગુમાવ્યાના શોકથી હજુ પરિવાર બહાર આવી શક્યો નથી ત્યારે જુવાનજોધ પુત્ર બાદ પિતાની અર્થી ઉઠતા પરિવાર હીબકે ચડ્યું છે .
જૂની કલેકટર કચેરી,પાછળ નરસંગપરામાં રહેતા જસુભાઇ હેમુભાઈ જાડેજા (ઉ.વ ૬૫)ને 3 વર્ષથી કિડનીની બીમારી હતી ત્યારે ગઈકાલે રાત્રે તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં એડમીટ કર્યા હતા. તેઓ ભાનમાં નહોતા ને દીકરાના વિરહમાં બોલ બોલ કરતા ત્યારે તબીબે સવારે 5.30 વાગ્યાના અરસામાં તેમને મૃત જાહેર કર્યા હતા
TRP અગ્નિકાંડમાં જુવાનજોધ પુત્ર ગુમાવ્યો
રાજકોટ TRP અગ્નિકાંડમાં જશુભાઈ જાડેજાએ જુવાનજોધ પુત્ર ગુમાવ્યો હતો. વિશ્વરાજ સિંહ જાડેજા (ઉં.વ 23)ને જોબ માટે પહેલો જ દિવસ હતો. હજુ તો જાન્યુઆરી મહિનામાં જ સગાઇ કરી હતી ત્યારે શનિવારના દિવસે અગ્નિકાંડના સમાચાર સામે આવ્યા બાદ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ ઉભી થઇ હતી સોમવારે પુત્રનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો ત્યારે પુત્રના આપઘાતમાં બે દિવસથી દીકરાનું નામ લેતા હતા જે બાદ પિતાનું પણ મોત નીપજ્યું છે. પુત્ર બાદ પિતાની અર્થી ઉઠતા પરિવાર હીબકે ચડ્યું છે .