સરકાર ગરીબોને લુખ્ખા ભાત જ ખવડાવશે : આ મહિને દાળ નહીં મળે
રાજ્યભરમાં સસ્તા અનાજના વિક્રેતાઓની પરમિટમાંથી દાળની બાદબાકી
રાજકોટ : છેલ્લા ત્રણેક મહિનાથી રાજ્યના પુરવઠા નિગમ દ્વારા ગરીબ રેશનકાર્ડ ધારકો માટે 50 ટકા જેટલો જ તુવેરદાળનો જથ્થો ફાળવી રહી છે ત્યારે ચાલુ જૂન માસમાં રાજ્યભરમાં સસ્તા અનાજના વિક્રેતાઓની પરમિટમાંથી દાળની બાદબાકી કરી નાખતા જૂન માસમાં ગરીબ નાગરિકોને ખાલી ભાત ખાઈને જ ગાડું ગબડાવવું પડશે.
મફત અનાજની યોજના વચ્ચે રાજ્યમાં ગરીબ રેશનકાર્ડ ધારકોને મોંઘવારીમાં રાહત નહીં મળે. ગુજરાત સરકાર તુવેરદાળની ખરીદી કરી શકી ન હોવાથી શોર્ટ સપ્લાયના કારણે ચાલુ જૂન માસમાં સસ્તા અનાજના દુકાનદારોને મળવાપત્ર પરમિટમાં પણ દાળ ગાયબ થઇ ગઈ છે. પુરવઠા વિભાગના આ નિર્ણયને કારણે ગુજરાત રાજ્યના 73,98,839 રેશનકાર્ડ ધારકો, રાજકોટ જિલ્લાના 2,99,241, રાજકોટ શહેરના 64,078 અને રાજકોટ તાલુકાના 20877 રેશનકાર્ડ ધારકોને રેશનકાર્ડમાં તુવેરદાળનો જથ્થો નહીં મળી શકે. હાલામા રેશનકાર્ડ ધારકોને કાર્ડ દીઠ એક કિલો તુવેરદાળ 50 રૂપિયા ના ભાવે વિતરણ કરવામાં આવે છેે.
