મુંબઇમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી સાથે કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
દાદર, કાંદિવલી, મગથાણે, ઓશિવારા, વડાલા, ઘાટકોપરમાં પ્રી-મોન્સુન વરસાદ: મુંબઈગરોને ગરમીમાં મળી આંશિક રાહત
દેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને હવે ચોમાસું ગોવા પહોંચી ગયું છે. તેવામાં મુંબઇમાં બુધવારે સવારે અનેક વિસ્તારોમાં પ્રી-મોન્સુન વરસાદ થયો હતો. જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદને કારણે મુંબઈવાસીઓને ગરમીમાં રાહત મળી હતી. મુંબઇમાં ચોમાસું તા.10 જૂન સુધીમાં બેસી જવાનું અનુમાન છે.
એકબાજુ દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. ચોમાસું કેરળથી આગળ વધીને ગોવા પહોંચ્યું છે. આ વચ્ચે બુધવારે મુંબઇમાં સવારે વરસાદનું આગમન થયું હતું. સવારે 7 વાગ્યા આસપાસ વરસાદની શરૂઆત થઈ હતી. મુંબઈના દાદર, કાંદિવલી, મગથાણે, ઓશિવારા, વડાલા, ઘાટકોપરમાં 7 થી 8 વાગ્યા દરમિયાન 4 મીમીથી લઈને 26 સુધીનો વરસાદ થયો હતો.
મુંબઇમાં વરસાદની એન્ટ્રી સાથે જ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગુરુ તેજ બહાદુર નગર રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. જેને કારણે મુસાફરોને મુશ્કેલી ભોગવવી પડી હતી. જો કે બીએમસીના અધિકારીએ જણાવ્યું હતું કે, વરસાદને રેલવે કે અન્ય વાહનવ્યવહારને કોઈ અસર થઈ નથી. ગોવામાં ચોમાસું આવી ગયું છે તેવામાં હવે તા.10 જૂન સુધીમાં મુંબઈમાં પણ ચોમાસી બેસી જશે તેવી શક્યતા છે. આ વચ્ચે મુંબઇમાં પ્રી-મોન્સુન વરસાદનું આગમન થવાને કારણે મુંબઈગરોને ગરમીમાં આંશિક રાહત મળી હતી. વરસાદને કારણે મુંબઇમાં તાપમાનનો પારો 33 ડિગ્રીએ પહોંચી ગયો હતો.
હવામાન વિભાગે આજે તા.6 જૂને પણ મુંબઇમાં વાદળો છવાયેલા રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. તો બીજી તરફ તા.7મીએ અને વીકએન્ડ પછી વરસાદ થવાની સાથે તાપમાન હજુ પણ ઘટવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગ પ્રમાણે તાપમાન ઘટીને 31 ડિગ્રી સુધી પહોંચી શકે છે.