સાગઠિયા ટેન્શનમાં, વિગોરા રડવાનું બંધ નથી કરતો; અમારો વાંક નથી !
૧૨ દિવસના રિમાન્ડ મંજૂર થયા બાદ પોલીસ પૂછપરછ એગ્રેસિવ મોડમાં
એમ.ડી.સાગઠિયાએ કહ્યું, મેં કાર્યવાહી કરવા કહ્યું હતું છતાં ન કરે તો હું શું કરી શકું ?
ગેઈમ ઝોન સંચાલક યુવરાજસિંહ પણ આખો દિવસ રડ્યે જ રાખે છે: અન્ય આરોપીઓના શ્વાસ પણ અધ્ધર
ટીઆરપી ગેઈમ ઝોન દૂર્ઘટનાના મુખ્ય આરોપીઓ પૈકી સંચાલક યુવરાજસિંહ સોલંકી, નીતિન જૈન, ધવલ ઠક્કર અને કિરીટસિંહ જાડેજાની ધરપકડ કર્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે મહાપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયા, સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા, એટીપીઓ ગૌતમ જોષી અને મુકેશ મકવાણાને પણ દબોચી લીધા છે. હાલ આ તમામ રિમાન્ડ ઉપર હોવાથી પોલીસ દ્વારા એગ્રેસીવ મતલબ કે આક્રમક મોડમાં તમામની પૂછપરછ કરી સત્ય ઓકાવવા માટે મથામણ ચાલી રહી છે. એકંદરે રિમાન્ડ મંજૂર થયાના બીજા જ દિવસથી એમ.ડી.સાગઠિયા એકદમ ટેન્શનમાં આવી ગયો છે અને વાત પણ ભારે અવાજે કરી રહ્યો છે ત્યારે સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા આખો દિવસ રડ્યે જ રાખતો હોવાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે મનપાના ચારેય આરોપી દ્વારા એક જ વાતનું રટણ કરવામાં આવી રહ્યું છે અમે તો કામ કર્યું જ હતું !!
પૂર્વ ટીપીઓ સાગઠિયાની વાત કરવામાં આવે તો તેની પૂછપરછમાં તે ભારે અવાજે એમ જ કહી રહ્યો છે કે મેં તો કાર્યવાહી કરવા માટે કહ્યું જ હતું પરંતુ નીચેનો સ્ટાફે કાર્યવાહી ન કરી તો એમાં હું શું કરી શકું ? સાગઠિયા એકદમ ટેન્શનમાં જ રહેતો હોવાનું અને કોઈ સાથે બોલતો નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે.
જ્યારે રિમાન્ડ પર રહેલો ગેઈમ ઝોન સંચાલક યુવરાજસિંહ પણ આખો દિવસ રડ્યે જ રાખે છે જ્યારે અન્ય આરોપીઓના શ્વાસ પણ અધ્ધર જોવા મળી રહ્યા છે. જો કે આ બધું નેવે મુકીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મુળ સુધી પહોંચી સત્ય બહાર લાવવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.
એકેય પીઆઈની ભૂમિકા નથી
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તાલુકા પોલીસ મથકના પૂર્વ પીઆઈ ધોળા, વણઝારા સહિતના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા. જો કે કાયદા પ્રમાણે આ એકેય પીઆઈની ભૂમિકા ન હોવાનું બહાર આવ્યું છે. જો કે કોઈને ક્લિનચીટ આપવામાં આવી નથી અને આગળની તપાસમાં જરૂર પડ્યે તમામને ફરી બોલાવવામાં આવશે.
૨૫ હજારથી વધુ પાનાનું ચાર્જશીટ તૈયાર કરાશે
એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ દૂર્ઘટના બાદ આરોપીઓ સામે ૬૦ દિવસની અંદર મજબૂત ચાર્જશીટ તૈયાર કરવામાં આવશે જે ૨૫ હજાર પાનાથી વધુનું હશે. એક પણ આરોપીને જામીન ન મળે તે પ્રમારે સજ્જડ ચાર્જશીટ તૈયાર કરવામાં આવશે. અત્યારે પોલીસ એક એક કડી મેળવીને મુળ સુધી પહોંચી રહી છે.