- ગેમઝોનના અગ્નિકાંડ મામલે ગૃહવિભાગને ધગધગતો રિપોર્ટ મોકલતા કલેકટર
- નવ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું અને 6 મૃતદેહોની ઓળખ કરવી અશક્ય હોવાનો રિપોર્ટ : એર એમ્બ્યુલન્સમાં ડીએનએ સેમ્પલ મોકલાયા
રાજકોટ : રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર નાનામવા જુના ગામતળ વિસ્તારમાં બે પાર્ટી પ્લોટ ઉપર ખડકાયેલા ટીઆરપી ગેમ ઝોન અને રેસ-વે સંકુલમાં આગ લાગતા 31 નિર્દોષ માનવ જિંદગીનો ભોગ લેવાયો છે ત્યારે સમગ્ર મામલે રાતભર જિલ્લા કલેકટર કચેરી ધમધમતી રહી હતી, અગ્નિકાંડ મામલે રાત્રે જ ગૃહમંત્રી અને વહેલી સવારે મુખ્યમંત્રીની રાજકોટ મુલાકાત બાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા સમગ્ર અગ્નિકાંડ મામલે રાજ્યના ગૃહવિભાગને ધગધગતો રિપોર્ટ કરવામાં આવ્યો છે જેમાં આગ લાગ્યા બાદ સૌથી પહેલા 108 ફાયર બ્રિગેડ બાદમાં પહોંચ્યું હોવાનું તેમજ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પૈકી 6 લોકોની ઓળખ મેળવવી જ મુશ્કેલ હોવાનું જણાવી હાલમાં સ્ટ્રક્ચર સેફટી, ફાયર સેફટી અને આગ લાગવાના કારણ મામલે તપાસ ચાલી રહી હોવાનું જણાવાયું છે.
શનિવારે સાંજે રાજકોટ ગેમની મજા માણવા ગયેલા અનેક નિર્દોષ લોકો આગની ચપેટમાં આવી જતા મૃત્યુને ભેટ્યા હતા, સુરતના તક્ષશિલા અગ્નિકાંડથી પણ ગંભીર આ દુર્ઘટનામાં રાજકોટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા પશ્ચિમ મામલતદારના રિપોર્ટ બાદ રાજ્યના ગૃહવિભાગને સમગ્ર ઘટનાને સાંકળી લેતો ધગધગતો રિપોર્ટ તૈયાર કરી મોકલી આપ્યો છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટના રિપોર્ટમાં જણાવ્યા મુજબ શનિવારે સાંજે 17.44 એટલે કે, સાંજના 5.44 કલાકે ઘટનાની જાણ થતા સૌપ્રથમ 108 એમ્બ્યુલન્સ બનાવ સ્થળે પહોંચી હતી ત્યાર બાદ 5.46 કલાકે ફાયર બ્રિગેડની આઠ ગાડી બનાવસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા પ્રયાસો કરતા પોલીસ પણ તુરત જ બનાવ સ્થળે પહોંચી હતી. આગની આ દુર્ઘટનામાં ફાયરની 40થી 50 ગાડી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હોવાનો ડિઝાસ્ટર મેન્જમેન્ટ વિભાગના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વધુમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના આ રિપોર્ટમાં આગ્નિકાંડ બાદ ટીઆરપી ગેમઝોનના માંચડાને ખસેડવા માટે 3 હિટાચી, 10 જેસીબી અને 3થી 4 ડમ્પરની મદદથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો હોવાનું તેમજ અગ્નિકાંડમાં 30 લોકો લાપતા હોવાનું જેમાં કુલ 24 પુરુષોમાં 12 વર્ષથી નાના 3 અને 12 વર્ષથી મોટા 21 લોકોનો સમાવેશ થતો હોવાની સાથે 6 મહિલાઓમાં 12 વર્ષથી નાના 2 અને 12 વર્ષથી મોટા 4 મહિલાઓનો સમાવેશ હોવાનું જાણવા મળે છે, સાથે જ 6 સ્ત્રી, 15 પુરુષ અને 6 વ્યક્તિ એવા છે કે જેની ઓળખ શક્ય ન હોય કુલ મળી 27ના મૃત્યુ થયાનું સવારે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
દરમિયાન રાજકોટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે કરેલા ધગધગતા રિપોર્ટમાં ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ સર્જાયા બાદ સ્ટ્રક્ચર સેફટી, ફાયર સેફટી અને આગ લાગવાના કારણ સહિત ત્રણ બાબતે તપાસ કરવી આવશ્યક હોવાનું જણાવવામાં આવ્યું છે, સાથે જ દુર્ઘટનામાં કુલ 9 વ્યક્તિ ઘાયલ હોવાનું જે પૈકી 3 ઇજાગ્રસ્તોને ખાનગી હોસિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હોવાનું તેમજ મૃતકોની ઓળખ મેળવવા માટે એર એમ્બ્યુલન્સમાં ગાંધીનગર ખાતે સેમ્પલ મોકલવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ક્લેક્ટરમાં મધ્યરાત્રે મેરેથોન મિટિંગ
રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડ દુર્ઘટના સર્જાયા બાદ મોડીરાત્રે જ ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટ આવ્યા હતા આ ઉપરાંત સમગ્ર મામલે ન્યાયિક તપાસ માટે રચવામાં આવેલી એસઆઇટીના વડા સુભાષ ત્રિવેદી પણ રાત્રે જ રાજકોટમાં આવી ગયા બાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે રાત્રીના 3થી 5 દરમિયાન ઉચ્ચ અધિકારીઓની મેરેથોન મિટિંગ ચાલી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
