ભુજ શહેરમાં લગ્નપ્રસંગે એસિડ એટેક : 12 લોકો ઘાયલ
પાડોશમાં રહેતા શખ્સોને લગ્નપ્રસંગ હોવાથી ગાડી ધીમે ચલાવવાનું કહેતા એસિડની ડોલ ભરીને મેહમાનો ઉપર હુમલો કરાયો : 15 શખ્સોનું પરાક્રમ
કચ્છના ભુજ શહેરમાં સોમવારે લગ્નપ્રસંગ સમયે જ પાડોશમાં રહેતા શખ્સોએ બેફામ ગતિએ ગાડી ચલાવતા હોય ગાડી ધીમે ચલાવવાનું કહેતા ઉશ્કેરાયેલા 15 લોકોના ટોળાએ લગ્નપ્રસંગ માણી રહેલા લોકો ઉપર એસિડ એટેક કરી પાઈપ અને ધોકા વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત બનેલા 12 લોકોને સારવાર માટે ભુજની અદાણી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
લગ્ન પ્રસંગે બનેલી એસિડ એટેકેની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ કચ્છના ભુજ ખાતે સરપટ નાકા પાસે રહેતા અબ્દુલભાઇ રમજુભાઈ ભટ્ટીના પરિવારમાં લગ્નપ્રસંગ હોય તિવરીનગરમાં આવેલ ભગતવાડી ખાતે લગ્નવિધિ ચાલી રહી હતી તે સમયે આરોપી સતાર અને અબ્દુલ ખત્રીના છોકરાવો ફૂલ સ્પીડે ગાડી ચલાવી પસાર થતા હોય ફરિયાદી અબ્દુલભાઈએ લગ્નપ્રસંગ હોવાથી ગાડી ધીમે ચલાવવાનું કહેતા સ્ટાર અને અબ્દુલ ખત્રી તેમના પરિવાર સહિતના 15 જેટલા શખ્સો ડોલમાં એસિડ ભરીને આવ્યા હતા અને ચાલુ લગ્નપ્રસંગે જ એસોડ હુમલો કરતા આ હુમલામાં પાંચ મહિલાઓ અને સાત પુરુષો એસિડથી દાઝી જતા 108 મારફતે અદાણી હોસ્પિટલ ભુજ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
વધુમાં હુમલાખોરોએ લગ્નમાં આવેલા મહેમાનો અને અબ્દુલભાઈના પરિવારો ઉપર એસિડથી હુમલો કર્યા બાદ લોખંડના પાઇપ તેમજ ધોકા વડે હુમલો કરતા લગ્નપ્રસંગ માણવા આવેલા મહેમાનો હાલમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે અને આ ગંભીર ઘટના મામલે એસિડ એટેક કરનાર 15 જેટલા આરોપીઓ વિરુદ્ધ ભુજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા તજવીજ શરુ કરવામાં આવી છે.