પોરબંદરના દરિયામાં સતત બીજા દિવસે ઓપરેશન: વધુ ૧૭૩ કિલો ડ્રગ્સ પકડાયું
પાકિસ્તાનથી આવી રહેલો હશીશ'નો જથ્થો મુળ સ્થાને પહોંચે તે પહેલાં જ એટીએસ-કોસ્ટગાર્ડે પકડી પાડ્યો: બેની ધરપકડ
ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં કોઈ પણ ભોગે ડ્રગ્સ કે હથિયારોનો જથ્થો ન ઘૂસી જાય તે માટે એટીએસ, કોસ્ટ ગાર્ડ અને એનસીબી દ્વારાએગ્રેસીવ મોડ’માં કામગીરી કરવામાં આવી રહી છે. ત્રણ દિવસ પહેલાં હથિયારોના જથ્થા સાથે રાજકોટ, સુરેન્દ્રનગર, ચોટીલા અને મધ્યપ્રદેશના છ શખ્સોને પકડી પાડ્યા બાદ અમરેલી, ગાંધીનગર અને રાજસ્થાનમાંથી ડ્રગ્સની ફેક્ટરીઓનો પર્દાફાશ કરીને ૧૩ લોકોને પકડવામાં આવ્યા હતા. આ પછી પોરબંદરમાં મધદરિયે ઓપરેશન પાર પાડીને પાકિસ્તાનથી શ્રીલંકા જઈ રહેલી બોટમાંથી ૬૦૦ કરોડનું ૯૦ કિલો ડ્રગ્સ પકડી પાડ્યા બાદ સળંગ બીજા દિવસે ઓપરેશન હાથ ધરીને ૧૭૩ કિલો હશીશ (ચરસ)ના પેકેટ સાથે બે પાકિસ્તાનીને પકડી પાડ્યા છે.
ચરસનો આ જથ્થો પાકિસ્તાનથી રવાના થઈને દરિયાઈ માર્ગે જઈ રહ્યો હોવાની બાતમી મળતાં જ એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે મધદરિયે ઓપરેશન પાર પાડ્યું હતું. એકંદરે ફરી એક વખત ભારતીય સુરક્ષા એજન્સીએ ડ્રગ્સનો જથ્થો તેના મુળ સ્થાને પહોંચે તે પહેલાં જ પકડી પાડ્યો છે.
એટીએસ અને કોસ્ટ ગાર્ડનું ઈન્ટેલિજન્સ નેટવર્ક એકદમ સ્ટ્રોંગ થઈ ગયું હોવાને કારણે ડ્રગ્સ-હથિયારનો જથ્થો રવાના થાય કે તુરંત જ તેને પકડી પાડવા માટે ટીમ એક્શનમાં આવી જાય છે અને મોટા જથ્થા સાથે આરોપીને પકડવામાં આવી રહ્યા છે. ૧૭૩ કિલો ચરસનો જથ્થો પાકિસ્તાનથી બે નાગરિકો બોટ મારફતે લાવી રહ્યા હતા.
