રાજકોટવાસીઓને ગરમીમાં મળી આંશિક રાહત: તાપમાન જુઓ કેટલા ડિગ્રી થયું
ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું પ્રમાણ: તાપમાન ૪૧ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના
રાજ્ય સહિત રાજકોટમાં પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે શહેરીજનોને અસહ્ય ગરમીમાંથી આંશિક રાહત મળી છે. તાપમાનનો પારો ૩૮ ડિગ્રીએ રહ્યો છે. જ્યારે ધાબડીયા વાતાવરણને કારણે ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. જો કે આગામી ત્રણ દિવસમાં ફરી ઉનાળો પોતાનો રંગ પકડશે.
રાજ્યભરમાં તાપમાનનો પારો ગગડ્યો છે. જેના કારણે લોકોને ગરમીમાં રાહત મળી છે. રાજકોટમાં તાપમાનનો પારો ગગડીને ૩૮ ડિગ્રીએ પહોંચી ગયો છે. રાત્રિના સમયે ઠંડો પવન ફુંકાતા રાજકોટવાસીઓને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળી છે. આ વચ્ચે હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરતાં કહ્યું છે કે, હજુ એક થી બે દિવસ ગરમીમાં રાહત મળશે.
આગામી ત્રણ દિવસ બાદ ફરી તાપમાનનો પારો ત્રણ ડિગ્રી સુધી વધશે. રાજકોટ સહિત રાજ્યભરમાં તાપમાન ઉચકાશે અને તા.૨૬ સુધીમાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રી સુધી પહોંચી જશે. મહત્વનું છે કે, થોડા દિવસો અગાઉ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો અને રાજકોટમાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને પાર થઈ ગયો હતો. જો કે હવે ફરી હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરતાં શહેરીજઓને ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે.