ટેક્નોલોજીના સહારે મનપા: સાડા ત્રણ મહિનામાં ૨૩૨૨ ફરિયાદ ઉકેલી
સીસીટીવીમાં રખડતાં ઢોર, ગેરકાયદે બાંધકામ, દબાણ, ડે્રનેજ સહિતની સમસ્યા દેખાતાં જ ફટાફટ ઉકેલ લવાયો
મહાપાલિકા દ્વારા ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં અત્યારે ૧૦૦૦ કેમેરા મારફતે સફાઈ સહિતનું ધ્યાન કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગ દ્વારા રાખવામાં આવી રહ્યું છે. જો કે કેમેરા તેમજ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને તંત્ર દ્વારા લોકોને લગતી અન્ય દુવિધાઓ ઉપર ધ્યાન રાખીને ૨૪ કલાકની અંદર જ તેનો ઉકેલ આવે તે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહ્યાનું જાણવા મળી રહ્યું છે. આ રીતે છેલ્લા સાડા ત્રણ મહિનામાં ૨૩૨૨ જેટલી ફરિયાદો ધ્યાન પર આવતાં જે તે વિભાગને દોડાવીને તેનો ઉકેલ લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
તંત્રના કેમેરામાં સાડા ત્રણ મહિનાની અંદર રખડતાં ઢોર-શ્વાન સહિતની ૧૮૬, ગેરકાયદે બાંધકામની ૪૬, તંત્રની જગ્યા પર દબાણ કરી લેવાયાની ૩૬૧, ડે્રનેજ ચોકઅપની ૨, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને લગતી ૧૭૨૬ અને ટાઉન પ્લાનિંગ શાખાને લગત એક મળી કુલ ૨૩૨૨ ફરિયાદ મળી હતી જેનો ૨૪ કલાકની અંદર જ ઉકેલ લાવી દેવાયો હતો.
આ સમસ્યામાં ડિવાઈડર તૂટી ગયેલી હાલતમાં હોવા, રોડ પર ખાડા, જાહેરમાં રેંકડી સહિતનું દબાણ, પ્લોટ ઉપર દબાણ, જાહેરમાં કચરો સળગાવતાં તત્ત્વો, કચરાપેટી અવ્યવસ્થિત પડી હોવાનું કેમેરામાં ધ્યાન પર આવતાં જ તાત્કાલિક જે તે શાખાને લગત સ્ટાફને દોડાવીને નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
