‘નલ સે જલ’ યોજનાની વાતો વચ્ચે આજે પણ રાજકોટમાં ૮૪૦ ડંકી !
ડંકીની સંભાળ પાછળ વર્ષે લાખોનો ખર્ચ: પાંચ વર્ષમાં માત્ર ૩૭૫ ઘટાડી શકાઈ: અનેક વિસ્તારો હજુ ડંકી સીંચીને પાણી ભરવા-પીવા માટે મજબૂર
ડંકી ઉપરાંત ફૂવારાના રિપેરિંગ પાછળ લાખેણો ખર્ચો છતાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ કાર્યરત પેટા: સ્વચ્છતા ઉપર ધ્યાન આપવાની સાથે લોકોની સુવિધા ઉપર પણ ભાર આપવો જરૂરી
સરકાર દ્વારા એક નહીં બલ્કે અનેક વખત
નલ સે જલ’ યોજનાનું ગાણું ગવાઈ ચૂક્યું છે. લોકસભા ચૂંટણી હોવાથી ઉમેદવારો-કાર્યકરો પણ આ યોજનાના ગુણગાન ગાતાં થાકતાં નથી ! વળી, તેના વખાણ તો એટલી હદે થઈ રહ્યા છે કે જાણે કે ઘર-ઘરમાં નળજોડાણ આપી દેવાયા હોય…આ બધાની વચ્ચે એવો ખુલાસો થયો છે કે રાજકોટમાં આજની તારીખે અલગ-અલગ વિસ્તારોમાં ૮૪૦ જેટલી ડંકી આવેલી છે અને તેને સીંચી સીંચીને લોકો પાણી ભરવા તેમજ પીવા માટે મજબૂર બન્યા છે !
આજથી પાંચેક વર્ષ પહેલાં રાજકોટમાં ૧૨૧૫ જેટલી ડંકી હતી જેમાંથી લોકો પાણી ભરતા હતા. જો કે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ડંકી નાબૂદ થવા લાગી કેમ કે તંત્ર દ્વારા નળ કનેક્શન આપવાનું શરૂ કરી દેવાયું હતું. જો કે પાંચ વર્ષમાં તંત્ર માત્ર ૩૭૫ ડંકી જ નાબૂદ કરી શક્યું છે જે તેની અને સરકારની નિષ્ફળતા પૂરવાર કરી રહ્યાનું જાણકારો જણાવી રહ્યા છે.
અત્યારે શહેરના અઢારેય વોર્ડમાં મળી ૮૪૦ ડંકી કાર્યરત છે અને તેની સંભાળ પાછળ વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યાનું અધિકારી સૂત્રો જણાવી રહ્યા છે.
ડંકી જેવી જ સ્થિતિ અત્યારે ફૂવારાની છે ! ગરમી શરૂ થતાં જ રાત પડે એટલે મોટી સંખ્યામાં પરિવાર ફૂવારાની ઠંડક માણવા માટે જતાં હોય છે પરંતુ રાજકોટીયન્સનું દૂર્ભાગ્ય કે શહેરમાં અત્યારે આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ ફૂવારા કાર્યરત છે ! જ્યાં ફૂવારા ચાલું છે તેમાં ભક્તિનગર સર્કલ, રેસકોર્સ, સોરઠીયાવાડી સર્કલ અને હરિ ધવા રોડ સહિતનો સમાવેશ થાય છે. બાકીના તમામ ફૂવારા અત્યારે બંધ હાલતમાં પડ્યા છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે ફૂવારાના મેઈન્ટેનન્સ પાછળ પણ વર્ષે લાખો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે છતાં તે બંધ હાલતમાં શા માટે રહેતા હશે ? શું ફૂવારાનું રિપેરિંગ કરાવવામાં આવતું નહીં હોય કે પછી રિપેરિંગ માટે ખર્ચ તો કરી દેવાતો હશે પરંતુ વાસ્તવિક્તા કંઈક ઔર જ હશે ?
મહાપાલિકા દ્વારા અત્યારે સ્વચ્છતા ઉપર આક્રમક બનીને ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને જરા અમથી ગંદકી કરતું કોઈ ઝપટે ચડે એટલે તેની પાસેથી દંડ વસૂલાઈ રહ્યો છે જે બાબત ઘણી આવકારદાયક છે પરંતુ આવી જ આક્રમક્તા લોકોપયોગી સુવિધા મળી રહે તેના પર રાખવાની તાતી જરૂર છે.
૮૪૦માંથી અડધોઅડધ ડંકી બંધ હાલતમાં, જોવે કોણ ?
ગરમી શરૂ થઈ ચૂકી છે એટલા માટે સ્વાભાવિક રીતે તેમાં પાણીની ખપત વધુ રહેવાની. ઘણાખરા વિસ્તારોમાં હજુ નલ સે જલ યોજનાનો લાભ પહોંચ્યો ન હોવાથી ડંકી આધારિત પાણી પીવા માટે મજબૂર છે. શહેરમાં હાલ ૮૪૦ ડંકી કાર્યરત છે તેમાંથી અડધોઅડધ ડંકી બંધ હાલતમાં હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. અમુક ડંકીમાં પાણી સીંચવા માટેનું હેન્ડલ નથી હોતું તો અમુક ડંકી ખળભળી ઉઠી હોય છે તો વળી અમુક ડંકી વારંવાર ડામરકામને કારણે જમીનમાં ખૂંપી ગયાનું પણ જોવા મળી રહ્યું છે !